ડાંગ : ગાઢવી ગામે યોજાયો સંવેદના દિવસ, સેવાસેતુ કાર્યક્રમનો લોકોએ લીધો લાભ

સંવેદનશીલ રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમનો ખ્યાલ આપતા ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ ગાઢવી ખાતે આયોજિત સંવેદના દિવસના જિલ્લા કક્ષાના કાર્યક્રમ દરમિયાન સુશાસન ના પાંચ વર્ષ કાર્યક્રમ ઉજવણીનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિન નિમિત્તે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના થયેલા રાજ્યવ્યાપી પ્રારંભ સાથે સેવાસેતુ કાર્યક્રમની કાર્ય પધ્ધતિ વર્ણવતા અહીં ઉપલબ્ધ સેવાઓનો વધુમા વધુ લાભ લેવાનો પણ તેમણે અનુરોધ કર્યો હતો. કલેકટર ભાવિન પંડ્યાએ રાજ્ય સરકારની શ્રવણ તીર્થ યોજના સહિતની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો પણ ખ્યાલ આપ્યો હતો.
ગાઢવીની પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા સંવેદના દિવસ ઉજવણી કાર્યક્રમ દરમિયાન પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરતા ગાઢવીના મહિલા સરપંચ ઉપરાંત આહવા તાલુકા પંચાયતના માજી પ્રમુખ હીરા રાઉત એ રાજ્ય સરકારના શ્રેણીબદ્ધ કાર્યક્રમોની વિગતો રજુ કરી, તેનો લાભ લેવાની હિમાયત કરી હતી. ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કોરોનાને કારણે માતાપિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને તેમની ૨૧ વર્ષની વય સુધી માસિક રૂ. ૪ હજાર, અને માતા કે પિતા પૈકી કોઈ એક વ્યક્તિનુ અવસાન થયેથી માસિક રૂ. ૨ હજારની આર્થિક સહાય ૧૮ વર્ષની વય સુધી આપવાની સંવેદનશીલ યોજના અમલમા મુકવામા આવી છે.
સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયરૂપાણીના જન્મદિન તા. ૨જી ઓગસ્ટથી આ યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાયો છે. જેની ઉજવણી છેક છેવાડે આવેલા ડાંગ જિલ્લાના રજવાડી ગામ ગાઢવી મુકામે કેક કાપીને સંવેદના દિવસ ઉજવીને કરાયો હતો. ડાંગ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, અને જિલ્લા બાળ સુરક્ષા એકમ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં કોરોનાને કારણે માતાપિતાની છત્રછાયા ગુમાવનારા કુલ ૧૩ બાળકો, તથા એકવાલી ધરાવતા અન્ય ૭૯ મળી કુલ ૯૨ બાળકોને સંવેદનાસભર સહાય આપવામા આવી રહી છે. સંવેદના દિવસ : સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના ગાઢવી ઉપરાંત વઘઇ તાલુકાનો કાર્યક્રમ સાકરપાતળ ગામે, અને સુબિર તાલુકાનો કાર્યક્રમ પીપલદહાડ મુકામે આયોજિત કરાયો હતો.