રાજ્યભરમાં આરોગ્યલક્ષી યોજનાની ઝીણામાં ઝીણી માહિતી, છેવાડાના લોકો સુધી સુપેરે પહોંચાડવા માટે, વ્યાપક જનજાગૃતિ કેળવવા અર્થે આરોગ્ય મેળાનું આયોજન કરાયુ છે, ત્યારે ડાંગ જિલ્લાના વઘઇ ખાતે આરોગ્ય મેળો યોજાયો હતો.
ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિતે આરોગ્યકર્મીઓની તપસ્યા, અને સેવાને બિરદાવી તેમને દેવદૂત તરીકે વર્ણવ્યા હતા. જાહેર સ્વાસ્થ્ય અને સલામતી માટે સતત કાર્યરત આરોગ્ય વિભાગના કર્મચારીઓની સમસ્યા, અને પ્રશ્નો પરત્વે સરકાર અને તેના અધિકારીઓ તથા પ્રતિનિધિઓ સતત ચિંતિત છે, ત્યારે આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓએ તેમની પડકારજનક ભૂમિકાને વધુ અસરકારક બનાવીને, પ્રજાજનોના સ્વાસ્થ્ય, સારવાર અને સુશ્રૂષા માટે પ્રતિબદ્ધ બનવુ જોઈએ તેમ તેમણે જણાવ્યુ હતુ. સ્વચ્છ અને સ્વસ્થ ભારતની વડાપ્રધાનની પરિકલ્પનાને સાકાર કરવા માટે, સૌને સંકલ્પબદ્ધ બનવાની હિમાયત કરતા પ્રમુખ શ્રી ગાવિતે, સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ છેવાડાના ગામડાઓ સુધી ગુંજતો કરવાની પણ અપીલ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં આરોગ્યકર્મીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.