Connect Gujarat
ગુજરાત

અમેરિકા -કેનેડાની સરહદ પર થીજી મરેલો પરિવાર ગાંધીનગર પાસેના કલોલનો હોવાની ચર્ચા

કેનેડાની સરહદે કાતિલ ઠંડીમાં થીજી મરેલો પરિવાર ગાંધીનગર પાસેના કલોલનો રહેવાસી હોવાની વિગતો સપાટી પર આવી છે.

અમેરિકા -કેનેડાની સરહદ પર થીજી મરેલો પરિવાર ગાંધીનગર પાસેના કલોલનો હોવાની ચર્ચા
X

અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરતી વેળા કેનેડાની સરહદે કાતિલ ઠંડીમાં થીજી મરેલો પરિવાર ગાંધીનગર પાસેના કલોલનો રહેવાસી હોવાની વિગતો સપાટી પર આવી છે. પટેલ પરિવારનું મકાન કલોલની ગ્રીન સીટીમાં હોવાનું બહાર આવ્યું છે.

અમેરિકામાં વૈભવી જીવન શૈલીના સ્વપ્ના બતાવી એજન્ટો અનેક લોકોને ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરાવતાં હોય છે તાજેતરમાં અમેરિકા અને કેનેડાની સરહદ પરથી પતિ-પત્ની તથા તેમના બે સંતાનોના મૃતદેહ મળી આવ્યાં હતાં. આ તમામના મોત કાતિલ ઠંડીના કારણે થયા હોવાનું બહાર આવ્યું છે. એક જ પરિવારના ચાર સભ્યોના મોતની ઘટનાના પડઘા વિશ્વભરમાં પડયાં છે. 11 ગુજરાતીઓના ગૃપને વાયા કેનેડા થઇ અમેરિકામાં ઘુસ મરાવવામાં આવી રહી હતી. એક જ પરિવારના ચાર સભ્યો બર્ફિલા તોફાનમાં અટવાય ગયા હતાં અને મોતને ભેટયાં હતાં જયારે અમેરિકામાં પ્રવેશવામાં સફળ રહેલાં સાત અન્ય લોકોને એજન્ટ સાથે ઝડપી લેવાયાં છે. મૃતકો ગુજરાતી હોવાનું બહાર આવતાંની સાથે ગુજરાત પોલીસ પણ એકશનમાં આવી છે.

મૃતકો ગાંધીનગર પાસે આવેલાં કલોલના રહેવાસી હોવાની પ્રાથમિક વિગતો સપાટી પર આવી છે. ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતેના નવા ડિંગુચા ગામનાં મૂળ વતની જગદીશ બળદેવભાઈ પટેલ (ઉ. 35) અને તેમના પત્ની વૈશાલીબેન (ઉ. 33), પુત્રી વિહંગા (ઉ. 12) અને પુત્ર ધાર્મિક (ઉ. 3) દસ બાર દિવસ અગાઉ અમેરિકા જવા માટે રવાના થયા હતા. જેઓ કલોલ ગ્રીન સિટી ખાતે રહેતા હતા. હમણાં જ બે મહિના અગાઉ મકાનનું રિનોવેશન કરાવીને રહેવા માટે આવ્યા હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું. જો કે પોલીસ આ બાબતે વધુ તપાસ ચલાવી રહી છે. કેનેડાથી અમેરિકાની સરહદ પાર કરવી એકદમ કઠીન છે. અમેરિકા જવાના સ્વપ્ન સેવતા 11 ગુજરાતીઓનું ગૃપ બર્ફિલા તોફાનો અને લાંબા મેદાનોમાં 11 કલાકથી વધારે ચાલીને અમેરિકાની સરહદ નજીક પહોંચ્યું હતું.

Next Story