સમાજમાં અંધશ્રધ્ધાની ફેલાયેલી જાળને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અંધશ્રદ્ધા વિરોધી જોગવાઈઓ સાથેનું વિધેયક રજૂ કર્યુ હતુ,અનેક વખત અંધશ્રદ્ધામાં નિર્દોષ લોકોનું શોષણ થતું હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે,ત્યારે અંધશ્રદ્ધા વિરોધી બિલ થકી ખોટા ચમત્કાર કરીને લોકોના દુ:ખ દર્દ દૂર કરવાનો દાવો કરતા તાંત્રિકો,ભૂવાઓ સહિતના લોકો સામે કાયદાનો કોરડો વીંઝવામાં આવ્યો છે.
અંધશ્રદ્ધા વિરોધી સૂચિત કાયદાની જોગવાઈઓ સાથેનું વિધેયક
ગુજરાત વિધાનસભામાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અંધશ્રદ્ધા વિરોધી સૂચિત કાયદાની જોગવાઈઓ સાથેનું વિધેયક રજૂ કર્યું હતું. જે ગૃહમાં સર્વાનુમતે પસાર થયું હતું. ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદૂ અટકાવવા તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયક 2024માં ધાર્મિક વિધિ અને પરંપરાને છૂટ આપવામાં આવી છે પરંતુ કહેવાતા ચમત્કારો અને તેના પ્રચાર - પસાર કરવો ગુનો ગણાશે.આ ગુનાસર ગુનો કરનાર વ્યક્તિને 7 વર્ષ સુઘીની સજા અને 50 હજાર સુધીનો દંડની જોગવાઇ કરવામાં આવી છે. આ વિધેયક મુજબ,ભૂત કે ડાકણ ભગાડવાના નામે શારીરિક પીડા આપવી અને અપાવવી ગુનો ગણાશે. કોઈ વ્યક્તિ પાસે અનિષ્ટ શક્તિ છે અને તેનાથી બીજાનું નુકશાન થાય છે તેનો પ્રચાર કરવો પણ ગુનો ગણાશે.
સાપ, વીંછી કે શ્વાનના કરડવા અંગે દવાખાને લઇ જવાતા રોકવા અને દોરા, ધાગા કે મંત્રો કરવા તે ગુનો ગણાશે.આ ઉપરાંત ગર્ભધારણ કરવા અસમર્થ સ્ત્રી સાથે અલૌકિક શક્તિથી માતૃત્વ આપવાના બહાને જાતીય સંબંધ બાંધવો ગુનો ગણાશે.આંગળી દ્વારા શસ્ત્ર ક્રિયા કરવી કે તેમ કરવાનો દાવો કરવો પણ ગુનો ગણાશે. આવો ગુનો કરનાર વ્યક્તિને 6 મહિનાથી 7 વર્ષ સુધીની સજા થાય તેવી સૂચિત કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે.એટલું જ નહીં, ગુનેગારને રૂ.5 હજારથી 50 હજારનો આર્થિક દંડ કરવાની પણ સૂચિત કાયદામાં જોગવાઈ કરાઈ છે. ઉપરાંત ગુનામાં મદદ કરનાર અથવા આ પ્રકારનો ગુનો કરવાનો પ્રયત્ન કરનારને આ કાયદા હેઠળ ગુનો આચર્યો હોવાનું માની લેવામાં આવશે અને તે મુજબ જ સજા કરવામાં આવશે. આ જ કલમ હેઠળ આ ગુનાને પોલીસ અધિકારનો અને બિન જામીનપાત્ર રહેશે તેવી જોગવાઈ કરી છે એટલે કે પોલીસને આ ગુના હેઠળ આરોપીને અટક કરવા માટેની સીધી સત્તા આપવામાં આવી છે.
યોગ્ય અને ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવા વિજીલન્સ ઓફિસરની નિયુક્તિની જોગવાઈ પણ કરવામાં આવી છે. વિજીલન્સ ઓફિસર પોલીસ ઇન્સ્પેક્ટર કે તેનાથી ઉપલા સંવર્ગના રહેશે. વિજીલન્સ ઓફિસરે પોતાના અધિકારક્ષેત્રના વિસ્તારમાં સૂચિત કાયદામાં જણાવેલા ગુનાઓ શોધી કાઢવા અને અટકાવવા, ભોગ બનનાર કે તેના પરિવારના સભ્ય દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા પછી તેના પર યોગ્ય અને ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવા અને સંબંધિત પોલીસ સ્ટેશનને જરૂરી સલાહ, માર્ગદર્શન અને મદદ આપવાની રહેશે. વિજીલન્સ ઓફિસરની ફરજમાં અવરોધ કે બાધા કરનારને ત્રણ માસની કેદ અથવા 5 હજાર સુધીનો દંડ સાથેની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે. જેથી વિજીલન્સ ઓફિસર પોતાનું કાર્ય સારી રીતે અને ઝડપથી કરી શકે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં બિલ રજૂ કરતા જણાવ્યુ હતું કે વિદેશમાં પણ આવા બ્લેક મેજિક અંગેના કાયદાઓ બન્યા છે. હાલ રાજ્યમાં કાળા જાદૂ અંગે કોઈ કાયદો નથી. ભોળા લોકોનું બ્લેક મેજીકથી શોષણ કરાય છે. ભાવુક લોકોને ખોટી દિશામાં લઇ જવાનું કામ કેટલાક લેભાગુ લોકો કરે છે. બહેનોની સુરક્ષા માટે આ બિલ મુખ્યમંત્રી તરફથી ભેટ છે. લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે એ બાબતને ધ્યાને રાખી બિલ તૈયાર કરાયું છે.આ વિધેયક ધર્મ અને અધર્મ વચ્ચેનો મહત્વનો ભેદ સ્પષ્ટ કરશે આ બિલ આખા ગુજરાતને લાગુ પડશે.