Connect Gujarat
ગુજરાત

ભરૂચ સહિત 10 જિલ્લાઓમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઇ-લોકાર્પણ

ભરૂચ સહિત 10 જિલ્લાઓમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઇ-લોકાર્પણ
X

આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયુ છે.


ડિજિટલ ક્રાંતિના યુગમાં અગ્રેસર ગુજરાતમાં સાઇબર ક્રાઇમ રોકવા તથા ગુનેગારો વિરૂધ્ધ ઝડપી કાનૂની કાર્યવાહી કરવા સરકાર કટિબધ્ધ છે ત્યારે ગાંધીનગર ખાતેથી ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર તથા પોલીસ માહાનિદેશક અને રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી આશિષ ભાટિયા તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજ્યમાં 10 જીલ્લાઓમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનુ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભરૂચ જીલ્લા પોલીસ હેડક્વાટર તાલીમ કેન્દ્ર ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું પોલીસ મહાનિરિક્ષક હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જની સુચનાના આધારે ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિહ ચુડાસમા તથા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તથા જીલ્લાના અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ભૌતિક રીતે લોકાર્પણ કરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કરી કાર્યરત કરવામાં આવ્યુ હતું.


ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, "દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજીટલ ભારતના નિર્માણના સપનાને સાકાર કરવા ગુજરાત પોલીસે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યું છે. ગુજરાત પોલીસને સ્માર્ટ, શાર્પ અને ટેક્નોલોજીથી સજ્જ બનાવીને લોકોને સાયબર ક્રાઇમથી સુરક્ષિત કરવાના નિર્ધાર સાથે આગળ વધી રહ્યા છે ત્યારે ગુજરાત દેશને રાહ ચીંધશે તેવો દ્રઢ વિશ્વાસ છે."


વધુમાં જણાવતા કહ્યું કે, સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ અને ડિટેકશન માટે સક્ષમ પ્રયાસો કરી નાગરિકોને સહાયરૂપ થવા પોલીસ તંત્ર ખડેપગ છે. આજરોજ રાજ્યના આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ-પૂર્વ (ગાંધીધામ) અને બનાસકાંઠા એમ કુલ 10 જિલ્લાઓમાં પણ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત થવાથી આ વિસ્તારના નાગરિકોને સાયબર ક્રાઇમ સંદર્ભે વધુ સુરક્ષા મળશે.


હાલના ટેકનોલોજીકલ યુગમાં સાયબર ક્રાઇમ સબંધી એ.ટી.એમ. ફ્રોડ, લોન-લોટરી ફોડ, જોબ ફ્રોડ, શોપીંગ ફ્રોડ, આર્મીના નામે, OLX, ફેસબુક એડ માંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવો વધુ પડતા સામે આવતા હોય છે. જેથી ભરૂચ જીલ્લાના તમામ નાગરીકોને સાયબર ક્રાઇમથી સુરક્ષિત રાખવા તથા બનેલા ગુનાને શોધી કાઢવા માટે ભરૂચ જીલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક પોલીસ ઇન્સપેકટર એમ.એમ. રાજ્યગુરૂ, પી.એસ.આઈ. કે. એચ. સુથાર, વાયરલેસ પી. એસ. આઈ. એમ.વી. રાઠવા તથા અન્ય ૧૬ પોલીસ કર્મચારીઓની નિમણુક કરવામાં આવેલ છે.


આ પોલીસ સ્ટેશનમાં તમામ સાયબર ક્રાઇમની અરજીઓ તથા સાયબર ક્રાઇમ હેઠળ બનતા ગુનાઓની તપાસ કરવાની તેમજ ભરૂચ જીલ્લામાં આવેલ તમામ પોલીસ સ્ટેશનોમાં પણ સાયબર ક્રાઇમને લગતી અરજીઓ તથા સાયબર ક્રાઇમ હેઠળ બનતા ગુનાઓની તપાસ કરવામાં આવશે અને તમામ પોલીસ સ્ટેશનોને સાયબર ક્રાઇમ સંબધી ટેકનીકલ મદદ કરવામાં આવશે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ ફ્લોર રૂમ નંબર ૧, ૨ અને ૩ જિલ્લા તાલીમ કેન્દ્ર, પોલીસ હેડ ક્વાર્ટર ભરૂચ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે. જેનો મોબાઇલ નંબર ૯૯૭૮૪ ૧૦૩૭૭, ઇ - મેઇલ આઇ.ડી.- gybercrime-bhaimgujarat.gov.in છે

Next Story