Connect Gujarat
ગુજરાત

ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરાશે

જામનગર ખાતે આવેલા ઇન્ડિયન નવલ શિપ (INS) વાલસુરાને તા. ૨૫ માર્ચ ૨૦૨૨ના રોજ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરાશે

ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરાશે
X

ભારતના આદરણીય રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રામનાથ કોવિંદે ગુજરાતમાં જામનગર ખાતે આવેલા ઇન્ડિયન નવલ શિપ (INS) વાલસુરાને તા. ૨૫ માર્ચ ૨૦૨૨ના રોજ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ સ્મરણીય પ્રસંગને યાદગાર બનાવવા માટે ૧૫૦ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે આદરણીય રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરી કુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ એમ.એમ. હમ્પિહોલી તેમજ અન્ય વરિષ્ઠ નાગરિક અને સૈન્ય મહાનુભાવો આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેશે. પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ સૈન્યના કોઇપણ એક યુનિટને શાંતિ અને યુદ્ધ બંને સમયમાં રાષ્ટ્રની અસામાન્ય સેવા બદલ સન્માનિત કરવા માટે આપવામાં આવે છે.

ભારતીય નૌસેના સશસ્ત્ર દળોની પ્રથમ શાખા છે, જેમનું ૨૭ મે ૧૯૫૧ના રોજ ભારતના તત્કાલિન આદરણીય રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૪૨માં સ્થાપવામાં આવેલું INS વાલસુરા ભારતીય નૌસેનાની પ્રીમિયમ તાલીમ સંસ્થા છે. આ સંસ્થાને ભારતીય નૌસેના, તટરક્ષક દળ અને મિત્ર વિદેશી દેશોના અધિકારીઓ અને સૈન્ય નાવિકોને ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, શસ્ત્ર પ્રણાલીઓ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંગે તાલીમ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે.

INS વાલસુરાએ લગભગ ૮૦ વર્ષ કરતાં વધારે સમયથી રાષ્ટ્રને આપેલી નોંધનીય અને શૌર્યપૂર્ણ સેવા બદલ પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે. પ્રારંભિક પરેડનું અગ્રણી સમાચાર ચેનલો પર પ્રસારણ કરવામાં આવશે. પ્રાસંગિક પરેડ પછી આદરણીય રાષ્ટ્રપતિ દ્વારા અન્ય મહાનુભાવ અતિથિઓની ઉપસ્થિતિમાં વિશેષ યાદી બહાર પાડવામાં આવશે.

Next Story