Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : માણાવદરની ખડીયા-કોઠડી પ્રા. શાળાના ડીમોલોશન બાદ છેલ્લા દોઢ વર્ષથી ઓરડાના કોઈ ઠેકાણા જ નથી..!

માણાવદર તાલુકાના ખડીયા અને કોઠડી ગામની પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હોવાથી દોઢ વર્ષ પહેલા ડિમોલેશન કરવામાં આવ્યા હતા.

X

જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ખડીયા અને કોઠડી ગામની પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હોવાથી દોઢ વર્ષ પહેલા ડિમોલેશન કરવામાં આવ્યા હતા. જોકે, હજુ સુધી આ બન્ને પ્રાથમિક શાળા માટે કોઈ નવા ઓરડા મંજૂર ન થતા બાળકોનું ભવિષ્ય અંધકાર તરફ ધકેલાઈ રહ્યું છે.

સમાજમાં પરિવર્તન લાવવા શિક્ષણ એ સૌથી ઉત્તમ અને આવશ્યક માધ્યમ છે, અને એ માટે બાળકો પણ નિર્ભય બનીને મુક્તમને શિક્ષણ મેળવી શકે તેવી વ્યવસ્થા હોવી પણ જરૂરી છે, અને જો શિક્ષણ આપતું સરસ્વતી ધામ જ ઉપલબ્ધ ન હોય ત્યારે બાળકોનું ભવિષ્ય શું હોય તે પણ એક પ્રશ્ન છે, ત્યારે એક તરફ, “ભણે ગુજરાત, વાંચે ગુજરાત” જેવી ઝુંબેશો ચલાવવામાં આવે છે, અને બીજી તરફ બાળકોને જ્યાં શિક્ષણ મેળવવું છે ત્યાં શાળાના ઓરડા જ ખૂટતા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, તારે વાત કરીએ તો જુનાગઢના માણાવદર તાલુકાની... તો અહી, ખડીયા અને કોઠડી ગામની પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હોવાથી દોઢ વર્ષ પહેલા ડિમોલેશન કરવામાં આવ્યા હતા. પરંતુ આ ડીમોલેશનને દોઢ વર્ષ થઈ ગયા બાદ પણ હજુ સુધી આ બન્ને પ્રાથમિક શાળા માટે કોઈ નવા ઓરડા મંજૂર ન થતા બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે.

માણાવદર તાલુકાના ખડિયા ગામની પ્રાથમિક શાળામાં ધો. 1થી 8માં 115 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ આ શાળા એક હોવાથી 6 જેટલા ઓરડાઓનું દોઢ વર્ષ પહેલા ડિમોલેશન કરવામાં આવ્યું હતું, ત્યારે ડીમોલેશનના દોઢ વર્ષ બાદ પણ આ પ્રાથમિક શાળાના ઓરડાઓ મંજૂર ન થતા વિદ્યાર્થીઓને ફરજિયાતપણે પ્રાર્થના અને મધ્યાહન ભોજન ખુલ્લા મેદાનમાં લેવું પડે છે. આ ઉપરાંત તેઓનો અભ્યાસ પણ ઓસરી અને રૂમમાં એક સાથે 2-2 ધોરણના વિદ્યાર્થીઓને કરવો પડે છે.

તો બીજી તરફ, આવી જ પરિસ્થિતિ તાલુકાના બીજા ગામની એટલે કે, કોઠડી પ્રાથમિક શાળાની છે કે, જ્યાં પણ એક વર્ષ જેટલા સમયથી શાળાના 4 જેટલા ઓરડાઓનું ડિમોલિશન કરવામાં આવ્યું છે, ત્યારે આ શાળામાં પણ નવા ઓરડાઓ હજુ સુધી મંજૂર થયેલ નથી. અને જેમાં સવાર પાળીમાં ધો. 6થી 8ના વિદ્યાર્થીઓ અને બપોર પાળીમાં બાલવાટિકાથી ધો. 5 સુધીના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. ઉપરાંત શાળામાં મધ્યાહન શેડ ન હોવાથી વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન પણ ખુલ્લામાં લેવું પડે છે.

આ અંગે ખડીયા અને કોઠડી ગામની પ્રાથમિક શાળામાં મુલાકાત લેતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અમારે પણ ભણવું છે, ઓરડા જ ન હોય તો અમારે કેવી રીતે ભણવું ? માટે અમને પણ સારી સ્કૂલ મળવી જોઈએ. આ અંગે ખડીયા ગામના વાલીઓએ જણાવ્યું હતું કે, અમારા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો ખૂબ સારા છે, પણ શાળાના જરૂરિયાત પ્રમાણે ઓરડા જ ન હોય તો અમારા સંતાનોને બેસાડવા ક્યાં તે એક સવાલ છે.

હાલના સમયમાં કોઈપણ શાળા જર્જરિત હોય ત્યાં ડિમોલેશન કરવામાં આવે છે. બાદમાં જે તે વિભાગ દ્વારા મંજૂરી આપીને ગ્રાન્ટ આપવામાં આવે છે. જે પ્રક્રિયામાં વધુ સમય લાગે છે, ત્યારે જે તે શાળા જર્જરીત હોય અને ત્યાં પહેલા સર્વે કરીને નવી શાળાની મંજૂર કરવામાં આવે પછી ડીમોલેશનની પ્રક્રિયા હાથ ધરાય તો વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય પર અસર ન થાય. આ અંગે માણાવદર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતું કે, આ બન્ને શાળામાં એકથી દોઢ વર્ષ પહેલા ડીમોલેશન કરવામાં આવ્યું હતું. તે બાબતે જે તે સમયના TPO દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી, ત્યારે હવે આ શાળામાં ઓરડાઓ વહેલી તકે મંજૂર થાય તે માટે ઉચ્ચકક્ષાએ જાણ કરવામાં આવશે.

Next Story