જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કોયલી ગામમાં કમોસમી વરસાદ અને કરા વરસતા ખેડૂતોને પાકમાં નુકશાની જતાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના કેટલાક વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં પલટો, ભારે પવન અને કમોસમી વરસાદ વરસ્યો છે, ત્યારે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કોયલી ગામમાં છેલ્લા 2થી 3 દિવસથી વાતાવરણ માં પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ અને કરા વરસ્યા હતા. જેના કારણે ઘઉ, ધાણા, કપાસ જેવા ઊભા પાકો બળીને ખાખ થઈ ગયા છે. જેથી હવે અહીના ખેડૂતો આર્થિક અને શારીરિક બન્ને રીતે ભાંગી પડ્યા છે. ઘઉંનો ઊભો પાક બળી જતાં જાણે કુદરતે મોઢે આપેલો કોળિયો છીનવી લીધો હોય તેવો ઘાટ ઘડાયો છે, ત્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જોકે, આ મામલે સરકાર દ્વારા ખેડૂતો માટે મહદઅંશે સહાય વળતર ચૂકવાય તેવી માંગ ઉઠી છે.