Connect Gujarat
ગુજરાત

કચ્છ : શ્રમિક મહિલાએ બદલ્યો કચરાનો "ચહેરો", જુઓ પ્લાસ્ટિક વેસ્ટમાંથી કેવું કર્યું વણાટ..!

ભુજની શ્રમિક મહિલાએ ઊભી કરી પોતાની બ્રાન્ડ, પ્લાસ્ટિકના વેસ્ટ કચરામાંથી શરૂ કર્યું વણાટકામ

X

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુકમા ગામની શ્રમિક મહિલાએ પોતાની આગવી કળાથી કચરાનો ચહેરો બદલી નાંખ્યો છે. આ મહિલ્લા પ્લાસ્ટિકના વેસ્ટ કચરામાંથી વણાટ કરીને વિવિધ પ્રોડક્ટ બનાવી રહ્યા છે. જુઓ અમારો આ વિશેષ અહેવાલ...

ગુજરાતનું કચ્છ પ્રદેશ જેટલું સુંદર છે, તેટલું જ સુંદર અહીંનું ભરતકામ અને વણાટ પણ છે. પરંતુ શું તમે જાણો છો કે, અગાઉ કચ્છના ઘણા પરિવારોમાં મહિલાઓને વણાટ કરવાની છૂટ નહોતી. પરિવારના પુરુષો વણાટ કરતા હતા, જ્યારે સ્ત્રીઓ બાળકો અને ઘરના કામકાજ સંભાળતી હતી. પરંતુ સમય સાથે ઘણું બદલાઈ ગયું છે, આજે અમે તમને કચ્છની આવી જ એક મહિલા કલાકાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમણે પોતાના પ્રદેશની કળાને એક નવું સ્વરૂપ આપ્યું છે. ભુજ તાલુકાના કુકમા ગામ પાસે આવેલા અવધનગરમાં રહેતા રાજી વણકરે કચ્છની કળાને તદ્દન નવું સ્વરૂપ આપ્યું છે. સામાન્ય રીતે વણાટ અને ભરતકામ રેશમ અથવા ઉનના દોરાથી કરવામાં આવે છે. પરંતુ રાજી વણકર પ્લાસ્ટિકના વેસ્ટમાંથી વણાટ કામ કરે છે. તેઓ પ્લાસ્ટિકના કચરામાંથી વણાટ કરીને ઘણા બધા પ્રોડક્ટ બનાવી રહ્યા છે.

તેમના ઉત્પાદનોનું મુંબઈ અને બેંગ્લોર સહિતના અન્ય શહેરોમાં પ્રદર્શન પણ યોજાયું હતું. વર્ષ 2010માં રાજીબેને કુકમાની ખમીર નામની સંસ્થામાં જોડાઈ વુલન સાલ બનાવતા હતા. ખમીર સંસ્થા સાથે જોડાઈને તેઓએ ઘણા પ્રદર્શનો અને વર્કશોપમાં પણ ભાગ લીધો હતો. વર્ષ 2012માં પ્રિન્સ ડિઝાઇનર કેટેલ ગિલ્બર્ટે ખમીરની મુલાકાત લીધી હતી. તે સમયે તેઓ રાજીબેનના કામથી પ્રભાવિત થયા અને રાજીબેનને વેસ્ટ પ્લાસ્ટિક વણાટ શીખવ્યું. રાજી બેને વર્ષ 2018માં લંડનમાં બેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનેલા ઉત્પાદનો સાથે એક પ્રદર્શનમાં પણ ભાગ લીધો હતો.

જોકે, લંડનથી આવ્યા બાદ રાજીબેને વિચાર્યું કે, હવે પોતાનું કામ જાતે જ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. એટલે સંસ્થામાં કામ છોડી તેમણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. પરંતુ માર્કેટિંગ કેવી રીતે કરવું તે આવડતું ન હતું, ત્યારે અમદાવાદની કારીગર ક્લિનિક નામની બિઝનેસ કન્સલ્ટન્સી સાથે સંપર્કમાં આવી પ્લાસ્ટિકના કચરામાંથી બનાવેલ ઉત્પાદનો દેશભરમાં પહોંચાડવાનું કામ કર્યું હતું. હાલ રાજીબેનના આ વ્યવસાયના કારણે અન્ય 30 મહિલાઓને પણ રોજગાર મળી રહ્યો છે. કચ્છના વિવિધ વિસ્તારોમાંથી પ્લાસ્ટિકનો કચરો લાવવાનું કામ 8 મહિલાઓ કરી રહી છે.

મહિલાઓને એક કીલો પ્લાસ્ટિકના કચરા માટે રૂપિયા 20 મળે છે. ભેગા થયેલા પ્લાસ્ટિકના કચરાને પહેલા ધોઈને સૂકવવામાં આવે છે, પછી રંગોના આધારે અલગ કરવામાં આવે છે. તેઓ એક થેલી બનાવવા માટે લગભગ 75 પ્લાસ્ટિકની થેલીઓ રિસાયકલ કરે છે. આ થેલીઓને કટીંગ કરતી મહિલાઓને કિલો દીઠ રૂપિયા 150 આપવામાં આવે છે. 1 મીટરની સીટ બનાવવા માટે મહિલાઓને રૂપિયા 200 આપવામાં આવે છે. રાજીબેન હાલ 20થી 25 પ્રોડક્ટ બનાવી રહ્યા છે. જેની કિંમત 200થી કરી 1300 રૂપિયા સુધીની છે.

Next Story