નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામે ખેતરે જતા વૃદ્ધ પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. જોકે, 80 વર્ષીય વૃદ્ધે હિંમતપૂર્વક દીપડાનો સામનો કરતા તેઓનો આબાદ બચાવ થયો હતો.
નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં દીપડાની વસ્તી વધી રહી છે. હવે તો રહેણાંક વિસ્તારોમાં પણ દીપડાઓ અવારનવાર જોવા મળી રહ્યા છે, ત્યારે નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામે પોતાના ખેતરે જતા એક 80 વર્ષીય વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો હતો, ત્યારે તેઓએ હિંમતપૂર્વક દીપડાનો સામનો કરી મોતના મુખમાંથી પોતાને છોડાવી ગામ તરફ દોડી આવ્યા હતા. જોકે, વૃદ્ધ ગંભીર રૂપે ઘાયલ થવાથી રસ્તામાં ઢળી પડ્યા હતા. બનાવની જાણ ગામના સરપંચને થતાં તેઓએ વન વિભાગને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધને રાજપીપળાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રથમ વખત જીઓરપાટી ગામે દીપડાએ માનવ પર હુમલો કર્યો હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. રાજપીપળા રેન્જ વન વિભાગના અધિકારીઓએ જીઓરપાટી ગામે આવી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. બનાવની ગંભીરતા જોઈ પાંજરું મુકીને માનવભક્ષી દીપડાને વહેલી તકે પકડવા તજવીજ હાથ ધરી હતી.