નિતિન પટેલ નવાજૂની કરે એવા એંધાણ ! નેતા અને લોકોને મળવાના બદલે એકદમ ચૂપ થઈ ગયા

ગુજરાતમાં ભાજપમાં નવી સરકારની રચનાના મુદ્દે ભડકા જેવી સ્થિતિ ઉભી થઇ છે, તે સંજોગોમાં પૂર્વ મંત્રીઓની નારાજગીની ચાલી રહેલી ચર્ચા વચ્ચે કાલે આખો દિવસ નારાજ નીતિન પટેલ ઘરમાં જ બેસી રહ્યા હતા, અને કોઈ વિવાદ કે નારાજગી ની રજુઆત કરવા જાહેરમાં ના આવતા ભાજપના નેતાઓમાં અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.
ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના રાજીનામાં બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મુખ્યમંત્રીનો તાજ પહેરાવવામાં આવે તેવી અટકળો ચાલી રહી હતી, તે જ સમયે નીતિન પટેલના બદલે અન્ય પાટીદાર ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવતા નીતિન પટેલ નારાજગી સાથે ધુવાપુવા થઈ ગયા હતા.
પરંતુ નારાજગી જાહેરમાં વ્યક્ત કરવાને બદલે પક્ષના મોવડીઓ સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી. પરંતુ હાઇકમાન્ડનો નિર્ણય હોવાનું જાણ્યા પછી નીતિન પટેલ એકદમ ચૂપ થઈ ગયા હતા.
મંગળવારે વહેલી સવારથી નવા મંત્રીમંડળની રચના અંગે ચાલી રહેલી અટકળોમાં તમામ મંત્રીઓને પડતા મુકવાની ગંભીર ચર્ચા બાદ કેટલાક સિનિયર મંત્રીઓ ગઈકાલે આખો દિવસ વિવિધ નેતાઓ અને રાષ્ટ્રીય આગેવાનો સુધી રજૂઆતો કરી રહ્યા હતા, આ દરમિયાન નીતિન પટેલે પણ નારાજ મંત્રીઓના જૂથમાં જોડાવવાને બદલે કાલે દિવસ દરમિયાન પોતાના અમદાવાદ અને ગાંધીનગરના નિવાસસ્થાને જ બેસી રહ્યા હતા.
એટલું જ નહીં મીડિયા અને ભાજપના નેતાઓ, સમર્થકોથી પણ અંતર બનાવી રાખ્યું હતું, મોડી સાંજે નીતિન પટેલ અમદાવાદના નિવાસસ્થાને આવીને પરિવાર અને કેટલાક અંગત લોકો સાથે રહ્યા હતા.
ગઈ કાલે આખો દિવસ નીતિન પટેલ ચહલ પહલમાં સામેલ ના થતા અને કોઈ નેતા કે આગેવાનોને પણ મળવા ના આવતા અફવાઓ અને અટકળોએ જોર પકડ્યું હતું કે નીતિન પટેલ બળવાના મૂડમાં છે અને 12 થી 14 ધારાસભ્યો સાથે સંપર્કમાં છે.