Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ફલાવરનો સારો ભાવ ન મળતા પ્રાંતિજના ખેડૂતોમાં નિરાશા...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિતના તાલુકામાં મુખ્યત્વે શાકભાજીનું વાવેતર વધુ થાય છે, અને એમાં પણ ફલાવરની ખેતી વધુ થઈ હોય.

X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિતના તાલુકામાં મુખ્યત્વે શાકભાજીનું વાવેતર વધુ થાય છે, અને એમાં પણ ફલાવરની ખેતી વધુ થઈ હોયછે, ત્યારે હાલમાં ફલાવરનો સારો ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે.

સાબરકાંઠાના પ્રાંતિજ સહિત તાલુકામાં ફલાવર, કોબીજની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. પ્રાંતિજ તાલુકો ફલાવર-કોબીજની ખેતીમાં જિલ્લા સહિત રાજ્યભરમાં અવલ્લ છે. પ્રાંતિજના ફલાવર-કોબીજની અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના શહેરો તેમજ મહારાષ્ટ્રના મુંબઇ, પુણા અને નાસિક સહિત દિલ્લી, ઉદેપુર તેમજ વિદેશોમાં પણ નિકાસ વધુ થાય છે, ત્યારે અહીના ખેડૂતો શાકભાજીની અન્ય ખેતી છોડીને ફલાવરની ખેતી તરફ વળતા ફલાવરનો પાક પુષ્કળ પ્રમાણમાં તૈયાર થયો છે. પરંતુ ખેડૂતોને તેનો સારો ભાવ ન મળતા તેઓમાં નિરાશા જોવા મળી છે.

હાલ ખેડૂતોને બજારમાં ફલાવરનો ભાવ સારો ન મળતા તેઓની હાલત કફોડી બની છે. જોવા જઈએ તો, હોલસેલમાં ફલાવર 20 કિલોએ 40થી 80 રૂપિયા એટલે કે, બજાર ભાવ 2 રૂપિયાથી 4 રૂપિયા પ્રતિ કિલોએ મળતા ખેડૂતોમાં નિરાશા સાંપડી છે. હાલના સમયે મોધુ બિયારણ, દવા, ખાતર, પાણી-ખેડ અને મહેનત જેવો ખર્ચ પણ ખેડૂતોને માથે પડ્યો છે. વધુ પડતા પાકને લઈને ખેતરોમાં જ્યાં જુઓ, ત્યાં ફલાવરના પાકની સફેદ ચાદર પથરાયેલી જોવા મળે છે.

પ્રાંતિજમાં સૌથી વધુ વાવેતર ફલાવરનું થતું હોય છે. જેને લઈને માર્કેટયાર્ડ ખાતે હાલ સૌથી વધુ આવક ફલાવરની જોવા મળી છે. તો બીજી તરફ માલનો વધુ ભરાવો છતાં હાલ ભાવ ઓછો મળી રહ્યો છે. ઉપરાંત ખેડૂતો પાસે તૈયાર થયેલ ફલાવરને સાચવી રાખવા માટે કોઈ વિકલ્પ ન હોવાથી પાકને કાપી નાખવો પડે છે. આ કાપેલો પાક ઓછા ભાવે પણ વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. જોકે, ખેડૂતોએ પાકનો ઉતારો લીધા પછી ન વેચાય તો પણ નુકશાન અને પાક ન ઉતારે તો ખેતરમાં બગડી જવાનો ભય સતાવી રહ્યો છે. વાતાવરણમાં ફેરફાર થવાના કારણે ફલાવરનો પાક બજારમાં વધુ આવતા ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે અગામી સમયમાં હજુ પણ ભાવ ઘટશે તેમ લાગી રહ્યું છે.

Next Story