સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના પઠાણવાડા વિસ્તારમાં રાત્રિના સમયે વરસતા વરસાદ વચ્ચે એક મકાનના રસોડાની છત ધરાશાયી થઈ હતી, ત્યારે ઘટનામાં મકાન માલિક સહિત પરિવારનો આબાદ બચાવ થયો હતો.
પ્રાંતિજ શહેરના પઠાણવાડા ખાતે રહેતા ઉમરખાન કોદરખાન પઠાણ પોતાના પરિવાર સાથે મકાનના રસોડાને અડીને આવેલ બાજુની રૂમમાં સૂતા હતા, તે દરમ્યાન રાત્રીના 10 કલાકે અચાનક ધડાકા સાથે રસોડાની છત ધરાશાયી થઈ હતી. જોકે, અવાજ આવતા જ મકાન માલિક પરિવાર સાથે ઘરની બહાર દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનામાં મકાન માલિક સહિત પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો. તો સાથે જ રાત્રી દરમ્યાન રોડ ઉપર લોકોની અવરજવર પણ ન હોવાથી મોટી જાનહાની પણ ટળી હતી. બનાવની જાણ થતાં જ આજુબાજુમાં રહેતા સ્થાનિકો સહિત પ્રાંતિજ પાલિકા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.