Connect Gujarat
ગુજરાત

રાજય સરકારનો સંવેદનશીલ નિર્ણય : શ્રમિકો સામે થયેલાં 515 કેસો પરત લેવાશે

લોકડાઉન દરમિયાન જે શ્રમિકો પર કેસ કરવામાં આવ્યાં છે તે પરત લેવામાં આવશે તેવી જાહેરાત ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી

રાજય સરકારનો સંવેદનશીલ નિર્ણય : શ્રમિકો સામે થયેલાં 515 કેસો પરત લેવાશે
X

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડી છે ત્યારે જનજીવનની ગાડી ફરીથી ધમધમતી થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી મહત્વના નિર્ણયો લઇ રહયાં છે. કોરોનાના સંક્રમણને રોકવા લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન જે શ્રમિકો પર કેસ કરવામાં આવ્યાં છે તે પરત લેવામાં આવશે તેવી જાહેરાત રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી છે.

રાજયમાં છેલ્લા બે વર્ષમાં કોરોનાની બે લહેર આવી ચુકી છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન કરવામાં આવ્યું હતું. લોકડાઉન દરમિયાન સરકારના જાહેરનામાનો પોલીસે કડકાઇથી અમલ કરાવ્યો હતો. જાહેરનામા કે નિયમોનો ભંગ કરનારાઓ સામે કેસો કરાયાં હતાં જેમાં શ્રમિકોનો પણ સમાવેશ થાય છે. કોરોનાની મહામારીએ ગરીબ અને મધ્યમવર્ગીય લોકોની કમર તોડી નાંખી છે ત્યારે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વનો અને અતિ ઉપયોગી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીના નિર્ણય વિશે માહિતી આપતાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન શ્રમિકો ઉપર કરવામાં આવેલાં 515 જેટલા કેસો પરત લેવાનું નકકી કરવામાં આવ્યું છે અને આ બાબતે જે તે જિલ્લાના અધિકારીઓ અને સરકારી વકીલોને સુચના આપી દેવામાં આવી છે. લોકડાઉન વેળા શ્રમિકો ઉપર થયેલાં કેસો પૈકી 208 કેસોનો કોર્ટમાં નિકાલ લાવી દેવાયો છે. ગૃહમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, લોકડાઉનમાં જયારે વાહનવ્યવહારના તમામ સાધનો બંધ હતાં ત્યારે રાજય સરકારે 1,000 કરતાં વધારે વિશેષ ટ્રેનો તથા અન્ય પરિવહનના સાધનો મારફતે 24 લાખ કરતાં વધારે શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડયાં છે.

Next Story