Connect Gujarat
ગુજરાત

વલસાડ : ઉમરગામ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 437 આવાસોનું નિર્માણ કરાશે

વલસાડ : ઉમરગામ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 437 આવાસોનું નિર્માણ કરાશે
X

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરઈ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ થનારા ૬ આવાસની કામગીરીનું ભૂમિપૂજન વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

આ અવસરે રાજયમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઉમરગામ તાલુકામાં ૪૩૭ આવાસ મંજુર કરવામાં આવ્‍યા છે, જે પૈકી આજે સરઇ ગામના ૬ આવસોનું ખાતમુહૂર્ત કરી શુભારંભ કરાયો છે. આ આવાસના નિર્માણ માટે લાભાર્થી સહિત સરપંચ પણ પૂરતી દેખરેખ રાખી ગુણવત્તાયુક્‍ત કામગીરી કરાવે તે જરૂરી હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું. જરૂરીયાત ધરાવતા લોકોને સુવિધાયુક્‍ત ઘર મળે તે માટે રાજ્‍ય સરકાર કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. ૧.૨૦ લાખની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે, આ આવાસ યોજનામાં વધારાની ૮૦ હજારની સહાય આપી રોટરી ક્‍લબ મદદરૂપ થતાં લાભાર્થીઓનું સુવિધાયુક્‍ત ઘરનું સ્‍વપ્ન પૂરું થશે.

ઘર બનાવવામાં લાભાર્થી પોતે પોતાનું યોગદાન આપે તે જરૂરી હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું. સહકારથી જ સારું કામ થાય છે તેમ જણાવી સૌ એકત્ર થઈ કામગીરી કરીએ તો ગામનો ઝડપી સર્વાંગી વિકાસ શક્‍ય બનશે તેમ જણાવી કોઈપણ લક્ષ સિદ્ધ કરવા માટે શુદ્ધ ભાવના સાથે આયોજનબદ્ધ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. આયુષમાન યોજના હેઠળ પાંચ લાખ સુધીની બીમારીની સારવાર માટે સહાય આપવામાં આવે છે. કોરોના મહામારીમાં જરૂરિયાતમંદને વિનામૂલ્‍યે અનાજ પૂરું પાડયું છે, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું. રોટરી ક્‍લબના ડિસ્‍ટ્રીકટ ગવર્નર પ્રશાંત જાનીએ રોટરી ક્‍લબ દ્વારા કાર્યરત આશિયાના સ્‍કીમ હેઠળ સરકારની આવાસ યોજનામાં સહયોગ અંગે વિસ્‍તૃત જાણકારી આપી ઉમરગામ તાલુકામાં ૧૦૦ આવાસોના નિર્માણકાર્યમાં એવરેસ્‍ટ મસાલા સાથે ટાઈઅપ કરી દત્તક લીધા હોવાનું જણાવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી મહેન્‍દ્રભાઈ, તાલુકા સંગઠન પ્રમુખ દિલીપ ભંડારી, મહામંત્રી પ્રકાશ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિભા પટેલ, સરપંચ સંઘના પ્રમુખ નરોત્તમ પટેલ, સરઈ સરપંચ, અગ્રણી રામદાસભાઈ વરઠા, તાલુકા પંચાયતના સભ્‍યો, ગ્રામજનો અને લાભાર્થીઓ હાજર રહયા હતા.

Next Story