જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે બપોરે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા ત્રણ આતંકીઓ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંબંધિત હતા.
પહુ વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓની હાજરીની માહિતી બાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણેય આતંકવાદીઓ માર્યા ગયા છે. માહિતી અનુસાર, જ્યારે સુરક્ષા દળોને પહુમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી, ત્યારે પહેલા વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો અને ત્યારબાદ આતંકવાદીઓને શોધવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. પોલીસ જવાનોએ આતંકવાદીઓને પહેલા આત્મસમર્પણ કરવા કહ્યું પરંતુ તેઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો. આ પછી બંને વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું. પાહુમાં આતંકવાદીઓને પકડવા માટે પોલીસ, સેનાના 50 આરઆર અને સીઆરપીએફના જવાનો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સુરક્ષા દળોએ પહેલા આસપાસના વિસ્તારોમાંથી નાગરિકોને હટાવ્યા અને પછી આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી. તમને જણાવી દઈએ કે કાશ્મીરમાં 24 કલાકમાં આ બીજુ એન્કાઉન્ટર હતું. આ પહેલા શનિવારે કુલગામમાં સુરક્ષાદળોનું આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર માર્યા હતા. બે દિવસમાં ખીણમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા છે.