PM મોદીએ દેશના ટોચના પોલીસ અધિકારીઓ સાથે મળીને યોગમાં ભાગ લીધો 

New Update
PM મોદીએ દેશના ટોચના પોલીસ અધિકારીઓ સાથે મળીને યોગમાં ભાગ લીધો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હૈદરાબાદની નેશનલ પોલીસ એકેડેમી ખાતે દેશના ટોચના પોલીસ અધિકારીઓ સાથે યોગ - વ્યાયામમાં ભાગ લીધો હતો.

મોદી, શુક્રવારે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી ખાતે પહોંચ્યા હતા અને રાત રોકાણ કર્યું હતુ. જ્યાં તેઓ રાજ્ય પોલીસ દળો, કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને ગુપ્તચર એજન્સીઓના વડાઓની વાર્ષિક કોન્ફરન્સમાં સંબોધન કરશે.

વડાપ્રધાન મોદીએ ડિરેક્ટર્સ જનરલ ઓફ પોલીસ (DGPs) , ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGPs) અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે યોગ કરીને દિવસની શરૂઆત કરી હતી. આ સાથે તેમણે ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અને પોલીસ શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી અને એકેડેમીમાં વૃક્ષારોપણ પણ કર્યું હતુ. ત્યારબાદ IPS અધિકારીઓની તાલીમ માટેની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતુ.

સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી ટોચના પોલીસ અધિકારીઓની 51 મી વાર્ષિક કોન્ફરન્સમાં સંબોધન કરશે,જ્યાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને પોલીસ દળોના વડાઓ સાથે સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરશે. જેમાં ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજીજુ અને હંસરાજ ગંગારામ આહિર, કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ મેહરિશી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ અને અન્ય અધિકારીઓ પણ કોન્ફરન્સમાં હાજરી આપશે.

આ ત્રીજી પરિષદ છે જે દિલ્હી બહાર યોજવામાં આવી રહી છે, આ અગાઉ 2014 માં ગુવાહાટી અને 2015 માં ગુજરાતના ભુજ ખાતે આ પરિષદ યોજવામાં આવી હતી.