મંદીનો માર સૌ કોઈને સતાવી રહ્યો છે. તો બીજી તરફ નાના વેપારીઓએ પણ મંદીને પહોંચી વળવા અપનાવ્યો છે નવો નુસખો. અત્યાર સુધી માત્ર ઈલેકટ્રોનિક આઈટમ ઝીરો ટકા વ્યાજ દરે મળતી હતી, પરંતુ હવે રાજકોટના એક વેપારીએ રેડીમેઈડ કપડાનુ વહેંચાણ હપ્તેથી શરુ કર્યુ છે. ત્યારે જુઓ આ અંગે અમારો વિશેષ અહેવાલ.
આજે જ્યારે ચારે કોર મંદીની મહામારીના સમાચારો સામે આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ રાજકોટના એક વેપારીએ મંદીના મારને દુર કરવા અપનાવ્યો છે અનોખો નુસખો. રાજકોટના હનુમાન મઢ્ઢી ચોક ખાતે કપડાની દુકાન ધરાવતા ધર્મેશ વિઠ્ઠલાણી છેલ્લા 8 વર્ષથી કપડાના રીટેઈલ બિઝનેઝ સાથે જોડાયેલ છે. પરંતુ ધીમે ધીમે ઓનલાઈન ખરીદી અને મોલ કલ્ચરના લીધે નાના વેપારીઓને મંદીનો માર વધુ સહન કરવો પડી રહ્યો છે. જેના કારણે તેમને ફાયનાન્સ કરતી કંપની સાથે જોડાણ કરી સરળ હપ્તેથી કપડાનું વેચાણ શરુ કર્યુ છે.
તો, બીજી તરફ ગ્રાહકોને પણ ધર્મેશ વિઠ્ઠલાણી દ્વારા શરુ કરવામાં આવેલ સ્કિમ પસંદ આવી રહી છે. કારણ કે માસીક 10 હજારથી 15 હજારનો પગારદાર વર્ગ એક સાથે તહેવારોના સમયે 7થી 8 હજાર રોકડા આપી ખરીદી નથી કરી શકતો. ત્યારે ધર્મેશ વિઠ્ઠલાણી ગ્રાહકોને 1500થી 1600ના માસીક હપ્તાથી કપડા આપે છે.
કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં રીટેઈલ કપડાનો બિઝનેઝ કરતા ધર્મેશ વિઠ્ઠલાણીએ જણાવ્યુ હતુ કે, હપ્તેથી કપડા વેચવા બદલ તેમને 7 ટકાનો નફામાં ઘટાડો થાય છે. પરંતુ બીજી તરફ હપ્તેથી કપડા વહેંચવાનું શરૂ કરતા તેમના ધંધામા 60 ટકાનો વધારો થવા પામ્યો છે.