રાજકોટ : મગફળીના રજીસ્ટ્રેશન માટે ધીમી કામગીરીથી ખેડૂતોએ ગુમાવ્યો પિત્તો

રાજકોટ જિલ્લાના 11 યાર્ડ અને 582 ગામડાઓમાં મગફળીની ટેકાના ભાવથી ખરીદી માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ કરવામા આવી છે. જેના કારણે ગત રાત્રીના જ ખેડૂતો રજીસ્ટ્રેશન માટે યાર્ડમા આવી પહોચ્યા હતા. જો કે દર વખતની જેમ કામગીરીમાં ઢીલાશ હોવાથી ખેડૂતો રોષે ભરાયા હતા. બીજી તરફ ટેકાના ભાવથી અસંતુષ્ટ હોવાનુ ખેડૂતોએ જણાવ્યુ હતું.
રાજયભરમાં ટેકાના ભાવે ખરીદવામાં આવનારા મગફળી માટેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ થઈ છે. પહેલી ઓકટોબરથી શરુ થયેલ આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આગામી 31 ઓટકોબર સુધી ચાલશે. જ્યારે તેની ખરીદીની પ્રક્રિયા 1લી નવેમ્બર થી શરુ થશે .ગત મોડી રાતથી જ ખેડૂતોની લાંબી લાઈનો જુના માર્કેટ યાર્ડ ખાતે લાગી હતી. ત્યારે રજીસ્ટ્રેશન સ્થળે પીવાના પાણી સહિતની કોઈ પણ પ્રાથમિક સુવિધા ન હોવાનુ સામે આવ્યુ હતું. ખુદ જિલ્લા ભાજપ પ્રમુખ ડિ.કે.સખીયાએ પણ આ વાત કબુલી હતી. તો સાથે જ ખેડૂતોને પડી રહેલી હાલાકી મામલે કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયાને રજુઆત કરશે જેવુ જણાવ્યુ હતું. રજીસ્ટ્રેશન શરૂ થવાના સમયે નેટ કનેકટીવીટી ખોરવાયાની ફરિયાદો મળતાં કલેકટરે તપાસના આદેશ આપી ખેડૂતોના હિતમાં યોગ્ય પગલાં ભરવા સુચના આપી દીધી છે. બીજી તરફ મગફળીના ટેકાના ભાવ સામે ખેડૂતોએ નારાજગી દર્શાવી છે.