સુરત કતારગામમાં રહેતા અને કાપડની દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન પાસે નકલી પોલીસ બની 3 લાખ રૂપિયા પડાવવાનો કારસો અસલી પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. યુવક પાસેથી અજાણી મહિલાએ ફોન નંબર માંગ્યા બાદ યુવાનને લૂંટી લેવાનું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું.
કતારગામમાં આદમની વાડી ખાતે રહેતા કાપડના દલાલને થોડા દિવસ પહેલા બોમ્બે માર્કેટમાં એક મહિલા મળી હતી. તે મહિલાએ પોતાનો નંબર આપી તેનો નંબર લીધો હતો, ત્યાર બાદ મહિલાએ કાપડ દલાલને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. જયાં તે મહિલાએ કહ્યું કે, શરીર સંબંધ બાંધવો હોય તો ૮૦૦ રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું. મહિલાને યુવાને હા કહીને તેની સાથે રૂમમાં ગયો હતો. આ સમયે સમયે રૂમનો દરવાજો કોઈએ ખખડાવ્યો હતો. મહિલાએ દરવાજો ખોલતા ચાર ઇસમો દંડો અને હાથકડી સાથે રૂમમાં ધસી આવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી.
પોલીસની ઓળખ આપનાર ચાર ઇસમોએ યુવાનને માર મારીને ૩ લાખ રૂપિયા માંગ્યા હતા. અને રૂપિયા નહીં આપે તો દુષ્કર્મના ગુનામાં તેને ફસાવી દેવાની ધમકી આપી હતી. તે સમયે કાપડ દલાલ પાસે ૧૮ હજાર રૂપિયા હતા તે લઈ લીધા હતા અને બીજા ૨૦ હજાર રૂપિયા લઇને તેને વરાછા પોલીસ સ્ટેશન પાસે બોલાવ્યો હતો. કાપડ દલાલ એક આરોપી સાથે વરાછા પોલીસ સ્ટેશન પાસે ગયો હતો. ત્યાં વરાછા પોલીસે નિકુલ સોલંકી નામના ઈસમને પકડી લીધો હતો. વેપારીએ પુણા પોલીસ સ્ટેશનમાં નિકુલ સોલંકીના સાગરિતોમાં અમીત મશરૂ, શિવરાજસિંહ, અલ્પેશ પટેલ અને દિવ્યા સામે ફરિયાદ નોંધાવી હતી.