સુરત : પાંડેસરામાં અસામાજિક તત્વોએ બાઇક સળગાવી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સુરતના પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વો ખોફ ન હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. પાંડેસરામાં અસામાજિક તત્વોએ એક બાઈકને આગ ચાંપી દીધી હતી, જે આગ નજીકની દુકાનમાં પણ પ્રસરી હતી. જેના કારણે દુકાનમાં પણ નુકશાન થવા પામ્યું છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગાયત્રીનગરમાં અસામાજિક તત્વોએ પ્લોટ નંબર ૪૨, ૪૩ના મકાન નીચે શેરીમાં પાર્ક થયેલ એક બાઈકને આગ લગાવી હતી. બાઈકમાં લાગેલ આગ ગણતરીના સમયમાં ભીષણ બનીને દુકાનમાં ચાલતાં કાપડના કામને લાગતાં કારખાનામાં પ્રસરી હતી. હાલ દુકાન અને મકાન માલિકે પોલીસને તપાસ સોંપી છે. આગ લગાવવાની સમગ્ર દુર્ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
ઘર માલિક અનિતાબેને જણાવ્યું હતું કે, ૬ મહિના અગાઉ તેમને અમુક લોકો સાથે માથાકૂટ થઈ હતી. તે માથાકૂટને લઈને એ લોકો પાછળ પડ્યા હતા અને ધમકી પણ આપતાં હતાં. આ આગ લગાવવા પાછળ અને નુકશાન પહોંચાડવા પાછળ તેમના હાથ હોવાનું તેમનું માનવું છે. ભાડાની દુકાનમાં કાપડને લગતું કામ કરતાં પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, દોઢેક વાગ્યે રાત્રિના સમયે આગ લગાવવામાં આવી હોવાનું સીસીટીવીના આધારે સ્પષ્ટ થયું છે. આ મામલે પોલીસમાં જાણ કરવામાં આવી છે.