ઇન્ટાગ્રામ ઇચ્છે છે કે તમે વધારે સમય સુધી ઑનલાઇન ન રહો અથવા વધારે સમય સુધી સ્ક્રીન સામે સમય ન વિતાવો. હકીકતમાં કંપની પોતાના યૂઝર્સના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક નવા જ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. આ ફીચરનું નામ ટેક અ બ્રેક છે. કંપનીના હેડ એડમ મોસેરીના કહેવા પ્રમાણે આ ફીચરની ખૂબ લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. ટેક અ બ્રેક ફીચર ઇન્સ્ટાગ્રામ યૂઝર્સને એ વાતની યાદ અપાવશે કે તેઓ ખૂબ લાંબા સમયથી આ પ્ટેલફોર્મ પર છે. હવે તેમણે થોડો આરમ કરવો જોઈએ.
મોસેરીએ ટ્વિટર પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં કહ્યું છે કે, "આ ફીચર તમને ઇન્સ્ટાગ્રામ એપ પર અમુક સમય વિતાવ્યા બાદ 10, 20 કે 30 મિનિટનો બ્રેક લેવા માટે પ્રેરિત કરશે." એડમ મોસેરીએ કહ્યુ કે, 'ટેક અ બ્રેક' ડિસેમ્બરથી વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ થવાની આશા છે. ઇન્સ્ટાગ્રામ તરફથી આ નવું ફીચર લાવવા પાછળ ખાસ કારણ રહેલું છે. હકીકતમાં એવી ટીકા થઈ હતી કે ઇન્સ્ટાગ્રામ પોતાના કિશોર યૂઝર્સ માટે હાનિકારક છે.
તાજેતરમાં જ અમેરિકન વ્હિસલબ્લોઅર ફ્રાંસિસ હાઉગને ખુલાસો કર્યો હતો કે પ્રસિદ્ધ સોશિયલ મીડિયા એપ્સ કિશોરવયના યૂઝર્સના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.આ દરમિયાન ફેસબુકના ગ્લોબલ બાબતોના ઉપ-પ્રમુખ નિક ક્લેગે કહ્યુ કે, ફોટો શેરિંગ પ્લેટફોર્મ ખરાબ કન્ટેન્ટ હટાવવા માટે નવું ફીચર રજૂ કરશે. ક્લેગે કહ્યુ કે, "અમે કંઈક એવું કરવા જઈ રહ્યા છીએ જેનાથી મને લાગે છે કે ઘણો ફરક પડી જશે. અમારી સિસ્ટમ એ વાત પર નજર રાખશે કે જો કોઈ કિશોર કે કિશોરી એક જ પ્રકારનું કન્ટેન્ટ વારેવારે જુએ છે અને તે તેના માટે સારું નથી તો અમારી સિસ્ટમ તેને બીજું કન્ટેન્ટ જોવા માટે પ્રેરણા આપશે."