હૃદયની પીડાથી પીડાતા 53 વર્ષીય દર્દીને 35 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના હૃદયના દાનથી મળ્યું નવજીવન

વર્ષ 2003થી હૃદયની તકલીફથી પીડાઇ રહેલા દર્દી અંગદાનમાં મળેલા હૃદયથી આખરે પીડામુક્ત બન્યા છે.

New Update

વડોદરાના 53 વર્ષના પુરુષ દર્દીની 19 વર્ષની પીડાનો આખરે અંત આવ્યો છે. વર્ષ 2003થી હૃદયની તકલીફથી પીડાઇ રહેલા દર્દી અંગદાનમાં મળેલા હૃદયથી આખરે પીડામુક્ત બન્યા છે. આ દર્દીએ વર્ષ 2003માં હૃદયના ડબલ વાલ્વની સર્જરી કરાવી હતી. સમય જતા દર્દીનું હૃદય નબળું પડવા લાગ્યું. છેલ્લા કેટલાય સમયથી આ દર્દીનું હૃદય ફક્ત 10 ટકા જ કામ કરી રહ્યું હતુ. દર્દી પોતાનું જીવન કાર્યક્ષમ બનશે અને તે લાંબુ જીવી શકશે તેવી આશા સંપૂર્ણપણે છોડી ચૂક્યા હતા. ત્યાં એકાએક તેમના જીવનમાં આશાનું કિરણ ઉગ્યું.

Advertisment

ગત તા. 16મી જુલાઇની સવારે 3 વાગ્યે સિવિલ હોસ્પિટલમાં 35 વર્ષના બ્રેઇનડેડ અંગદાતા રાહુલ સોલંકીના અંગદાનમાં મળેલા હૃદયના પ્રત્યારોપણથી આ દર્દીને નવજીવન મળ્યું. સમગ્ર વિગત એવી છે કે, અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા 35 વર્ષના રાહુલભાઇ સોલંકીને 10મી જુલાઇના રોજ માર્ગ અકસ્માત થતા સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેઓની સ્થિતિ ગંભીર બનતા આઇ.સી.યુ.માં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની 5 દિવસની અથાગ મહેનત બાદ પણ આખરે ઇશ્વરને મંજુર હતુ તે જ થયું. તબીબો દ્વારા રાહુલભાઇને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

રાહુલભાઇને બ્રેઇનડેડ જાહેર કરાતા તબીબો દ્વારા પરિવારજનોને અંગદાન માટે પ્રેરણા આપવામાં આવી હતી. રાહુલભાઇના પરિવારના મોટા ભાગના સદસ્યો પોલીસમાં સેવા આપી ચૂક્યા છે. રાહુલભાઇ પોતે પણ સરકારી નોકરી મેળવીને દેશ સેવાના સ્વપ્ન સેવી રહ્યા હતા. સેવાભાવી પરિવારજનોએ બ્રેઇનડેડ રત્નના મૃત્યુ બાદ પણ અન્યને મદદરૂપ બનવાના સેવાભાવ સાથે અંગદાન માટે સંમતિ દર્શાવી. જેના પરિણામે રાહુલભાઇના હૃદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું. રાહુલભાઇના અંગદાનમાં મળેલા હૃદયને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ માટે લઇ જવામાં આવ્યા. સીમ્સ હોસ્પિટલમાં દાખલ વડોદરાના 53 વર્ષના પુરુષ દર્દીની 5 કલાકની સફળ સર્જરીના અંતે સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું.

સીમ્સ હોસ્પિટલમાં તબીબો દ્વારા જણાવ્યા મુજબ આ સર્જરી અત્યંત પડકારજનક બની રહી હતી. દર્દીની ડબલ વાલ્વ રીપ્લેસમેન્ટ સર્જરી થઇ હોવાના પરિણામે રીડુ પ્રકારની આ સર્જરી અત્યંત પડકાર ભરેલી બની રહી. 10 તબીબોની ટીમના અથાગ પરિશ્રમના પરિણામે આ સર્જરીમાં સફળતા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હૃદય પ્રત્યારોપણ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પણ રૂ. 7.5 લાખની સહાય મળી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગોના રીટ્રાઇવલ માટેની ટીમ સતત કર્તવ્યનિષ્ઠા સાથે જીવથી જીવ બચાવવાના સેવાયજ્ઞમાં ફરજરત છે. રાહુલભાઇના અંગોના રીટ્રાઇવલની કામગીરી સવારે 3 વાગ્યે શરૂ થઇ હતી. 6થી 7 કલાકના અથાગ પરિશ્રમ બાદ 2 કિડની, 1 લીવર અને હૃદયનું દાન મળ્યું છે.

Advertisment
Latest Stories