કરજણ તાલુકાના બામણગામ નજીક ડમ્પર ચાલકે એક્ટિવા સવારને અથાડી અકસ્માત કરતાં શરીરે જીવલેણ ઈજાઓ થતાં એક્ટિવા સવાર નિવૃત્ત શિક્ષકનું કરૂણ મોત નીપજયું છે
કરજણ તાલુકાના બામણગામ નજીક એક ડમ્પર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલક નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના માણેજા ખાતે અક્ષર ડુપ્લેક્ષમાં રહેતા નિવૃત્ત શિક્ષક પ્રકાશચંદ્ર જેઠારામ પંડ્યા નાઓ કરજણ ખાતે નવાબજાર વિસ્તારમાં આવેલ તેમના મકાનનો વેરો ભરવા માટે એક્ટિવા લઈને નીકળેલ હોવાનું કહેવાય છે.
દરમ્યાન એક્ટિવા લઈને કરજણ તાલુકાના ને.હા. 48 ઉપર આવેલ બામણગામ નજીક આવતાં સાંકડા નાળા પાસે પુરઝડપે હંકારી ડમ્પર ચાલકે એક્ટિવા સવારને અડફેટમાં લીધા હતા. અડફેટે આવેલા એક્ટિવા સવાર નિવૃત્ત શિક્ષક રોડ ઉપર ફેંકાઈ જવા પામ્યા હતાં. જેઓને બંને પગમાં અને માથાના ભાગે જીવલેણ ઈજાઓ થતાં 108ની મદદથી વડોદરા SSG ખાતે લઈ જવામાં આવ્યા હતાં.જ્યાં પ્રકાશચંદ્ર જેઠારામ પંડ્યાનું કરૂણ મોત નિપજ્યાનું સુત્રો જણાવે છે. પોલીસે ડમ્પરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.