વડોદરા : આઉટસોર્સીંગના વિરોધમાં બેન્ક કર્મીઓનું વિરોધ પ્રદર્શન, આગામી દિવસોમાં હડતાળની ચીમકી...
યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક ઓફ બરોડા વડોદરાના નેજા હેઠળ અલકાપુરી ખાતે આવેલી બેન્ક પાસે આઉટસોર્સીંગના વિરોધમાં દેખાવ કરવામાં આવ્યો હતો.

વડોદરા શહેરમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક ઓફ બરોડા વડોદરાના નેજા હેઠળ અલકાપુરી ખાતે આવેલી બેન્ક પાસે આઉટસોર્સીંગના વિરોધમાં દેખાવ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત બેન્કના કર્મચારીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યકત કર્યો હતો.
આ અંગે બેન્ક ઓફ બરોડા કર્મચારી સંઘ અને લોકલ કમિટી સભ્ય મગન પટેલે જણાવ્યું હતું કે, બેન્ક મેનેજમેન્ટ દ્વારા 8 હજાર જેટલા કર્મચારીઓનો આઉટસોર્સિંગ ભરતીનો નિર્ણય લેવાયો છે. આ બાદ અન્ય જગ્યાઓની પણ આઉટ સોર્સિંગ પ્રક્રિયા હાથ ધરાશે. જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. વહેલી તકે નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો, આગામી 30મી મેના રોજ દેશભરના 40 હજારથી વધુ કર્મચારીઓ હડતાળ પર ઊતરશે. આ ઉપરાંત ડેપ્યુટી જનરલ સેક્રેટરી લેખન ચંદાણીએ જણાવ્યું હતું કે, બેન્કના સત્તાધીશો દ્વારા 27 એપ્રિલના રોજ ખાનગી એજન્સીને 08 હજાર કર્મચારીઓની ભરતી માટે કોન્ટ્રાક્ટ ફાળવી દીધો છે. આજે સમગ્ર દિવસ મોટી સંખ્યામાં બેન્ક કર્મચારીઓએ ધરણા પર બેસી વિરોધ દર્શાવી ગાંધી ચિંધ્યા માર્ગે આ લડત ચાલુ રાખશે તેમ જણાવ્યુ હતું.