ગુજરાતના બે સપૂતોએ ૩૭૦ મી અને ૧૩૫ એ કલમો ની નાબૂદી દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી સુધી આઝાદીની સાચી અનુભૂતિ કરાવી હોવાનું ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે. તેમણે વડોદરા ખાતે જિલ્લાકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપી હતી.
દેશના 75મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા ખાતે ધ્વજવંદન કર્યું હતું. પ્રાસંગિક ઉદબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ૩૭૦ અને ૧૩૫ (એ) ની કલમને નાબૂદ કરીને કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર દેશને સાચી સ્વતંત્રતાની અનુભૂતિ કરાવી છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ દેશનું ગૌરવ વિશ્વમાં વધાર્યું છે તો રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ તરફ લઈ જઈ રહ્યાં છે.
તેમણે જણાવ્યું કે ગુજરાતમાં કોરોના ઘટયો છે, રિકવરી રેટ ૯૯ ટકા થયો છે, પોઝીટીવીટી દર ઘટ્યો છે પણ ત્રીજી લહેરની શક્યતા જોતાં ગાફેલ ન રહેતા તમામ તકેદારીઓ પાળવી જરૂરી છે.રાજ્ય સરકારી ત્રીજા વેવની શક્યતા ધ્યાનમાં લઈને પથારી, ઓક્સિજન, દવાઓ અને તબીબી માનવ સંપદા જેવી તમામ આગોતરી વ્યવસ્થા કરી છે. તેઓએ સહુને કોરોના ના નિયમો પાળવા ખાસ અનુરોધ કર્યો હતો. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વડોદરાના રેલવે પોલીસ પરેડ મેદાન ખાતે ૭૫માં સ્વતંત્રતા પર્વ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી આદર પૂર્વક દેશની આન, બાન અને શાન ના સર્વોચ્ચ પ્રતીક તિરંગાને સલામી આપી હતી. તેમણે ગણવેશધારી દળોની પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
ગુજરાતના વિકાસ માટે અમદાવાદ અને સુરત મેટ્રો, બુલેટટ્રેન, રક્ષા શક્તિ યુનિવર્સિટી, ઓબીસી બિલ જેવા અનેકવિધ વિકાસ આયોજનોની ભેટ આપવામાં આવી છે. જ્ઞાનકુંજ યોજના હેઠળ વડોદરા જિલ્લામાં ૧૪૦ શાળાઓમાં ટેક્નોલોજીકલ સુવિધાઓથી સજ્જ સ્માર્ટ ક્લાસરૂમ તૈયાર કરવામાં આવ્યાં. સેવાસેતુ કાર્યક્રમમાં કોરોના કાળમાં ઘર આંગણે ૫૮ સેવાઓ આપી નવીન અભિગમ આપનાવેલો છે.
કોરોના મહામારીમાં રાજ્યના માટે ૬૮.૮૦ લાખ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. પ્રધામંત્રી આવાસ યોજના હેઠળ અનેક છત વગરના લોકોને આધુનિક સુવિધાઓથી સજ્જ ઘર આપવામાં આવ્યા છે. ગુજરાતનો યુવાન રાજ્યની શક્તિ છે તેથી જ રોજગાર દિવસે ૬૨૦૦૦ થી વધુ યુવાનોને સરકારી, અર્ધસરકારી અને પ્રાઇવેટ સંસ્થાઓમાં રોજગારીની સમાન તકો આપવામાં આવી છે. ગૃહરાજયમંત્રીએ કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ વિકાસલક્ષી કામગીરી અને યોજનાઓનો ચિતાર આપ્યો હતો.