Connect Gujarat
વડોદરા 

વડોદરા: અંતિમ ક્રિયામાં ગયેલા સાવલીના પરિવારને વડુ ગામ પાસે નડ્યો અકસ્માત, ત્રણ લોકોના મોત

વડોદરા: અંતિમ ક્રિયામાં ગયેલા સાવલીના પરિવારને વડુ ગામ પાસે નડ્યો અકસ્માત, ત્રણ લોકોના મોત
X

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામે પરિવારના વડિલના અંતિમ ક્રિયામાં ગયેલા સાવલી તાલુકાના ટુંડાવ ગામના ડોડીયા પરિવારને કારનો અકસ્માત નડતા ડ્રાઇવર સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવને પગલે ટુંડાવ ગામમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ સાવલી તાલુકાના ટુંડાવ ગામે રહેતા રાબિયાબેન છત્રસિંહ ડોડીયા (ઉં.વ. 50), ભીખીબેન હિંમતસિંહ ડોડીયા (ઉં.વ. ૪૫) સહીત છથી સાત પરિવારના સભ્યો મારુતિ વાનમાં વડુ ખાતે રહેતાં સંબંધી રતનસિંહના સસરા મૃત્યુ પામ્યા હોવાથી તેમની અંતિમ ક્રિયા માટે ગુરૂવારે વડુ ગામે આવ્યા હતા. અંતિમ ક્રિયાનો પ્રસંગ પતાવી ડોડીયા પરીવારના સદસ્ય મારુતિ વાનમાં પરત સાવલી ટુંડાવ ગામે જવા માટે વડુથી નીકળ્યા હતા.

દરમિયાન, પાદરા તાલુકાના મહુવડ નવાપુરા ગામ પાસે અજાણ્યા ફોર વ્હીલ ચાલકે મારુતિ વાનને ટક્કર મારતા મારુતિ વાન પલટી મારી ગઇ હતી. આ બનાવમાં મારૂતિ વાનમાં સવાર રાબિયાબેન છત્રસિંહ ડોડીયા, ભીખીબેન હિંમતસિંહ ડોડીયા, તથા વાન ચાલાક વિજય સિંહ ડોડીયાને ગંભીર ઇજાઓ થવાથી તેમના મોત નિપજયા હતા. જ્યારે અન્ય વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થવાથી પ્રાથમિક સારવાર સ્થાનિક સરકારી દવાખાનામાં આપ્યા બાદ વધુ સારવાર માટે અત્રેની સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. એરેરાટીભર્યા અકસ્માતના આ બનાવની જાણ વડુ પોલીસને કરવામાં આવતા વડુ પોલીસ દ્વારા અજાણ્યા ફોરવ્હીલર ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે વડુ અને ટુંડાવ ગામમાં ગમગીની ફેલાવી દીધી હતી.

Next Story