અફઘાનિસ્તાનથી અમેરિકી સૈન્ય પરત બોલાવવાના નિર્ણય મુદ્દે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થયા હતા. તેમણે વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડન પર નિશાન સાધતા કહ્યું હતું કે અફઘાનિસ્તાનથી પરત ફરવું એ અમેરિકી ઈતિહાસની સૌથી શરમજનક ઘટના છે.
આની પહેલા બાઇડને સોમવારે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાલિબાન સાથે કરાયેલી ડીલ તેમને વારસામાં મળી છે. આ ડીલની વાસ્તવિકતા એ હતી કે 1 મે પછી અફઘાનિસ્તાનમાં સીઝફાયર અથવા અમેરિકી સેનાની સુરક્ષા માટે કોઇપણ પ્રકારના સમાધાનનો ઉલ્લેખ કરાયો નહતો. અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન શરૂ થયા પછી ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવવા લાગ્યા છે. તાલિબાને બામિયાનમાં હઝારા સમુદાયના નેતા અબ્દુલ અલી મઝારીનું સ્ટેચ્યૂ વિસ્ફોટકોથી ઉડાવી દીધું છે.
આ સમગ્ર ઘટના અંગે હ્યૂમન રાઇટ્સ એક્ટિવિસ્ટ સલીમ જાવેદે શેર કરી છે. તમને જણાવી દઇએ કે આ એ જ સ્થળ છે જ્યાં તાલિબાને 20 વર્ષ પહેલા બુદ્ધની પ્રતિમાઓને વિસ્ફોટકોથી ઉડાવી દીધી હતી. મઝારી હઝારા સુમદાયની હિઝ્બ-એ-વહદત પાર્ટીના નેતા હતા. તાલિબાને 1995મા તેમની હત્યા કરી હતી. છેલ્લા ઘણા વર્ષોથી તાલિબાનીઓ હઝારા સમુદાયને નિશાન બનાવતું રહ્યું છે.
અફઘાનિસ્તાનની કુલ 3.60 કરોડ વસતિનો 9% ભાગ હઝારા સમુદાયનો છે, પરંતુ આ અલ્પસંખ્યકોને રક્ષણ આપવાની જગ્યાએ ત્યાંના કેટલાક અસામાજિક તત્વો એમને હેરાન કરતા રહે છે. બામિયાનમાં મોટાભાગે હઝારા શિયા મુસ્લિમ રહે છે. જેથી તે મુસ્લિમ કટ્ટરપંથિઓના નિશાન પર રહે છે.