Connect Gujarat
દુનિયા

ગાંધીનગર : ઓસ્ટ્રેલિયન હાઇ કમિશન સાથે રાજ્યના મુખ્યમંત્રીએ યોજી બેઠક..

ભારત સ્થિત ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર યુત બેરી ઓ’ફેરેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ગાંધીનગર ખાતે લીધી હતી.

ગાંધીનગર : ઓસ્ટ્રેલિયન હાઇ કમિશન સાથે રાજ્યના મુખ્યમંત્રીએ યોજી બેઠક..
X

ભારત સ્થિત ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર યુત બેરી ઓ'ફેરેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ગાંધીનગર ખાતે લીધી હતી. મુખ્યમંત્રીએ વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રોમાં ઓસ્ટ્રેલિયા-ગુજરાત સાથે મળીને આગળ વધે તથા સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ બને તે માટેની ઉત્સુકતા આ બેઠકમાં ચર્ચા-પરામર્શ દરમ્યાન વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આત્મનિર્ભર ભારતની જેમ આ સંબંધોના સેતુથી પાર પાડવા પણ નેમ દર્શાવી હતી. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનની ફલશ્રુતિ રૂપે નિર્માણ પામેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખાસ મુલાકાત લેવા ઓસ્ટ્રેલિયન હાઇકમિશનને અનુરોધ કર્યો હતો. ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર બેરી ઓ'ફેરેલે માઇનીંગ ટેકનોલોજી, ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતના ક્ષેત્રોમાં ઓસ્ટ્રેલિયન તજજ્ઞતાનો લાભ ગુજરાતને મળે તે માટે પણ ફળદાયી વિચાર-વિમર્શ કર્યો હતો.

ભારતની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત જે નવીન તકો ઉપલબ્ધ થઇ છે, તે સંદર્ભમાં ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઝની ગુજરાતમાં સ્થાપના માટેની સંભાવના અંગે પણ તેમણે ચર્ચા કરી હતી. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વૈશ્વિક ઓળખ બનેલી વાયબ્રન્ટ સમિટની શૃંખલામાં ઓસ્ટ્રેલિયાની સહભાગીતાનો ઉલ્લેખ કરતાં આગામી વાયબ્રન્ટ સમિટ-2022માં પણ જોડાવાનું આમંત્રણ પાઠવ્યું હતું. આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુંબઇ ખાતેના ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલ જનરલ યુત પીટર ટ્રશવેલ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, ઇન્ડેક્ષ-Bના મેનેજિંગ ડિરેક્ટર નિલમ રાની પણ જોડાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઓસ્ટ્રેલિયન હાઈ કમીશ્નરને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સ્મૃતિભેટ રૂપે આપી હતી.

Next Story