/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/maxresdefault-86.jpg)
અંકલેશ્વર શહેરનાં સુથાર ફળિયામાં ગણેશ યુવક મંડળ હાલમાં મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, કારણ કે ગણેશોત્સવ પ્રસંગે ભક્તિની સાથે વિઘ્નહર્તા દેવનાં સુંદર શણગારનાં દર્શન માટે ભક્તો ઉમટી રહ્યા છે.
ગણેશોત્સવમાં બાપ્પાનાં ભક્તો દ્વારા સુંદર સજાવટ કરેલા મંડપ બનાવીને ભક્તિભાવ પૂર્વક ગણપતિજીનું સ્થાપન કરવામાં આવે છે.ત્યારે અંકલેશ્વર શહેરના સુથાર ફળિયા ગણેશ યુવક મંડળે અનાજ અને કઠોળ માંથી ગણપતિની પ્રતિમા તૈયાર કરીને સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
યુવક મંડળનાં અજય મોદીએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ગણેશજીની પ્રતિમા પર અનાજ અને જુદાજુદા કઠોળ લગાડવા માટે યુવક મંડળના યુવાનો બે મહિનાથી મહેનત કરી રહ્યા હતા, અને તેમાં બે પ્રકારના રાજમા, વાલની દાળ, કાળા મગ, લીલા મગ, મસૂરની દાળ, ચોળી, સફેદ ચોળા, ઘઉં, જુવાર, બાજરી, ચોખા, મકાઈ, આખા મસૂર, મગની દાળ, ચણાની દાળ, તુવર ,દેશી ચણા, છોલે ચણા, લીલા વટાણા, સફેદ વટાણાનો ઉપયોગ કરીને ગણેશજીની પ્રતિમાને અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે.
ગણેશોત્સવ દરમિયાન વરસાદી માહોલ હોવા છતાં પણ સુથાર ફળીયા ગણેશ યુવક મંડળ દ્વારા સ્થાપન કરવામાં આવેલ અનાજ કઠોળનાં ગણપતિની પ્રતિમાનાં મોટી સંખ્યામાં દર્શન અર્થે ભક્તો આવી રહ્યા છે, અને યુવક મંડળની મહેનતને પણ બિરદાવી રહ્યા છે.