/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/20180830_081432-1.jpg)
બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવું છે પણ પરિવાર માટે ધુળધોયા વ્યવસાય સિવાય નથી કોઈ રસ્તો
સાંપ્રત સમયની મોંઘવારીમાં માનવી પોતાના પરિવારજનોને બે ટંકનો રોટલો મળી રહે તે માટે તનતોડ મહેનત કરતો હોય છે. ત્યારે મૂળ મહારાષ્ટ્રના નાગપુર શહેરના અને હાલ ભરૂચ શહેરના દાંડિયા બજારમાં વસવાટ કરતા અને ધુળધોયા વ્યવસાય સાથે સંકળાયેલા વીરૂ ધુળધોયા નિયમિત ભરૂચ જિલ્લાના પાલેજ નગરમાં વહેલી સવારે પોતાની પત્ની તથા દિકરી સાથે આવે છે. નગરમાં આવેલી વિવિધ જ્વેલર્સોની દુકાનો પાસે બ્રશ વડે એક તગારામાં ધુળ એકત્ર કરી સોનાની કરચો શોધે છે.
વીરૂ નામના ધુળધોયા કારીગર સાથે થયેલી વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે આ અમારો ધુળધોયાનો વડીલો પાર્જિત વ્યવસાય છે. છેલ્લા દોઢસો વર્ષોથી અને પેઢી દર પેઢીથી અમારૂ પરિવાર આ વ્યવસાય સાથે સંકળાયેલું છે. વધુમાં તેણે જણાવ્યું હતું કે, અમારી આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે અને નાણાંના સ્ત્રોતના અભાવે અમારે ન છુટકે ધુળધોયા વ્યવસાય સાથે સંકળાવું પડ્યું છે. રોજ જ્વેલર્સોની દુકાનો પાસેથી ધુળ એકત્ર કરી પાણીમાં સાફ કરતા એમાંથી સોનાની કરચો નીકળતા માંડ બસો રૂપિયા જેટલી કમાણી થાય છે. કોઇક વાર વધુ સોનાની કરચો નીકળે તો પાંચસો રૂપિયા જેટલી કમાણી થાય છે.
આખુ વર્ષ એક ગામથી બીજા ગામ રઝરપાટ કરી પેટીયુ રળવા માટે જ્વેલર્સોની દુકાનો પાસેથી ધુળ એકત્ર કરી સોનાની કરચો એકત્ર કરી બે ટંકનો રોટલો રળવાનો પ્રયાસ કરીએ છીએ. અમારા બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવું છે પણ અમારી આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે અમારા બાળકો શિક્ષણથી વંચિત રહે છે. તો સરકારે પણ આવા આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે રોજગારીની તકો ઉભી કરી રોજગારી મળી રહે એ માટે કંઇક આયોજન કરવું જોઇએ એ જ સાંપ્રત સમયની માંગ છે.