ભરૂચ જિલ્લામાં દિવ્યાંગોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું

New Update
ભરૂચ જિલ્લામાં  દિવ્યાંગોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું

ભરૂચ, ૨૩-૦૪-૨૦૧૯ મંગળવારના રોજ લોકસભાની ચૂંટણીનો ઉત્સાહ ઉમંગથી પ્રારંભ થયો હતો. વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત બનાવવા અને તેની સાથે જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તેવા આશયથી ભરૂચ જિલ્લાના દિવ્યાંગ મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. અગવડો - અડચણો વેઠીને પણ મતદાન કરવાની તેમની ધગશ મતદાન મથક સુધી લઇ જઇ અને ટેકણ લાકડી-વ્હીલચેર કે સહાયકની મદદથી મતદાન કરીને લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર જાડાયા હતા.

ભરૂચ તાલુકાના સામલોદ ગામના હંસાબેન પરમાર કે જેઓ ૮૦ ટકા દિવ્યાંગતા ધરાવે છે. તેઓએ આજ રોજ મતદાન કરીને અન્ય દિવ્યાંગોને પણ મતદાન કરવા પ્રેરણા આપી હતી.

જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના બળવંતસિંહ ઠાકોર અને તેમના પત્નિ ઉષાબેન અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવે છે. બળવંતસિંહ અને તેમના ધર્મ પત્નિ ઉષાબેન આજે સવારે જ મતદાન કરીને અન્ય મતદારો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા.

નેત્રંગના બ્રીજેશભાઇ પટેલ કે જેઓ બંને પગેથી દિવ્યાંગ છે. જેઓએ આજે મતદાનના શરૂઆતના સમયે જ મતદાન ક્યુ* હતું તેમજ ઝઘડીયાના અસનાવી ગામના એવા વસાવા શૈલેષભાઇ રામુભાઇ કે જેઓ અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવે છે તેઓએ લોકશાહીના મહાપર્વમાં મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ બજાવી હતી. કલરવ શાળા ભરૂચ અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોએ પણ પહેલીવાર મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણીમાં જાડાયા હતા. આમ તનથી અશક્ત અને મનથી સશક્ત જિલ્લાના દિવ્યાંગોએ મતદાન કરીને લોકશાહીના આ મહામુલા પર્વની ઉજવણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, દિવ્યાંગોને મતદાન માટે મુશ્કેલી ન સર્જાય અને તેમને પુરતી સુવિધા મળી રહે તે માટે જિલ્લાના દિવ્યાંગ મતદારો માટેના વિશેષ ઓબ્ઝર્વર બી.કે. કુમારની સુચનાથી અને ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર ધ્વારા દિવ્યાંગ મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં શક્ય તેટલી તમામ સુવિધાઓ આપવા જિલ્લા વહીવટીતંત્ર કટિબધ્ધ બનેલ હતું.