વડોદરાના ફાર્મ હાઉસમાં દારૂની મોજ પર પોલીસની રેડ થી ભંગ પડયો

બે ઉદ્યોગપતિઓના પરિવારમાં લગ્ન પ્રંસગે જામી હતી મહેફિલ
વડોદરાના સેવાસીના અખંડ ફાર્મ હાઉસમાં તારીખ 22મીના રોજ રાત્રે બે ટોચના ઉદ્યોગપતિ પરિવારના લગ્ન પ્રસંગ નિમિતે દારૂની મહેફિલ જામી હતી, જેના પર અચાનક પોલીસે છાપો મારતા પાર્ટીમાં સામેલ માલેતુજારોમાં નાશભાગ મચી ગઈ હતી.
વડોદરા પોલીસને ચોક્કસ બાતમી મળતા પોલીસ કાફલા સાથે શહેરની હદમાં આવેલ ગુરુવારના રોજ મોડી રાત્રે રેડ પાડી હતી. જેમાં અંદાજે 1,28,900ની કિંમતનો વિવિધ બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો તેમજ લગભગ 267 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
https://www.youtube.com/watch?v=pJuI0DGp8fM
એક તરફ સરકાર દ્વારા કાયદો કડક બનાવવામાં આવ્યો છે, ત્યારે વડોદરા અમદાવાદના મોટા માથાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાય ગયા હતા, જેમાં મહિલાઓને પણ પોલીસે આરોપી બનાવ્યા છે, અને ઝડપાયેલ 267 લોકોને તબીબી પરીક્ષણ અર્થે SSGમાં લઇ જવામાં આવ્યા હતા.
બ્રાન્ડેડ વિદેશી શરાબની સાથે પોલીસે 90 જેટલી વૈભવી કાર પણ કબ્જે કરી હતી. હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં પોલીસ કાર્યવાહીના પગલે ઉદ્યોગ જગત ઉપરાંત રાજકીય ક્ષેત્ર સહિત તમામ સ્તરે ખળભળાટ મચી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે રાજ્યમાં દારૂના વેચાણ તેમજ વપરાશના નિયમો વધુ કડક બનાવ્યા છે જેમાં 10 વર્ષ સુધીની કેદ અને મહત્તમ 5 લાખ રૂપિયા દંડ નક્કી કરાયો છે. વડોદરા પાર્ટીમાં પણ પોલીસ દ્વારા રાજ્ય સરકારના દારૂબંધીના નવા કાયદા અનુસાર જ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.