/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/unnamed-1-8.jpg)
સુરતની ઇચ્છાનાથ વિસ્તારમાં આવેલી SVNIT કોલેજની હોસ્ટેલમાં મોડી રાત્રે એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા હોસ્ટેલમાં ચકચાર મચી ગઇ હતી. હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓને આ વાતની જાણ થતાં તેમણે આત્મહત્યા કરનાર યુવાનને નજીકના હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
મળતી માહિતી અનુસાર મૃતક યુવાન મૂળ આંધ્રપ્રદેશનો વતની સમમુખ્ખા રેડ્ડી હતો. જે સુરતમાં અભ્યાસ અર્થે આવ્યો હતો. આ યુવાન શહેરની SVNITમાં બી.ટેક.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. મોડી રાત્રે અગમ્ય કારણોસર યુવાને હોસ્ટેલના બાથરૂમમાં જઇ ટુવાલથી ગળેફાંસો ખાઇ લીધો હતો.
યુવાનનો મિત્ર તેને ગળેફાંસો ખાઇ લીધેલી હાલતમાં જોઇ લેતા હેબતાઇ ગયો હતો. તેણે આપઘાત કરનાર યુવાનને નીચે ઉતારીને હોસ્ટેલમાં બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી હોસ્ટેલના અન્ય યુવાનો પણ દોડી આવ્યા હતા અને આત્મહત્યા કરનાર યુવાનને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જોકે, યુવાને કયા કારણસર આત્મહત્યા કરી તે જાણી શકાયુ નથી.