Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ પોલીસ 7 રાજ્યોમાં કરશે રેડ, કાપડના વેપારીઓ સાથે ઠગાઈ કરનારાઓની ખેર નહીં..!

કાપડનો માલ ખરીદ્યા પછી પૈસા ન ચૂકવનાર અન્ય રાજ્યોના વેપારીઓને ઝડપી પાડવા રાજ્ય પોલીસ સીટ બનાવી તપાસ હાથ ધરશે.

અમદાવાદ પોલીસ 7 રાજ્યોમાં કરશે રેડ, કાપડના વેપારીઓ સાથે ઠગાઈ કરનારાઓની ખેર નહીં..!
X

અમદાવાદ ન્યુ ક્લોથ માર્કેટ અને મસ્કતી કાપડ માર્કેટના વેપારીઓ પાસેથી કાપડનો માલ ખરીદ્યા પછી પૈસા ન ચૂકવનાર અન્ય રાજ્યોના વેપારીઓને ઝડપી પાડવા રાજ્ય પોલીસ સીટ બનાવી તપાસ હાથ ધરશે. શહેરના કાપડના વેપારીઓની 508 જેટલી ફરિયાદમાં રૂ. 150 કરોડની રકમ અટવાયેલી છે. જોકે, આ સીટની ટીમમાં પીઆઇ, પીએસઆઇ તેમજ 80 કર્મચારીઓનો વધારો કરી 7 રાજ્યોમાં ટીમને રવાના કરાશે.

વેપારીઓના ફસાયેલી રકમ અંગે સીટમાં 508 જેટલી અરજી પેન્ડિંગ પડી હતી. જેને જલ્દી ચલાવવા માટે ગૃહમંત્રીને રજૂઆત કરી હતી. અમદાવાદ કાપડ મહાજન દ્વારા પોલીસ કમિશનર તેમજ ગૃહ રાજ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાત બહારના ઠગો કાપડના વેપારીના સ્વાંગમાં અમદાવાદ કાપડ મહાજનમાં આવે છે, અને પ્રારંભીક તબક્કે રોકડમાં વ્યવહાર કરી વેપારીઓનો વિશ્વાસ સંપાદન કરે છે. જે પછી ચેક આપી ઉધારીમાં માલ લઈ જાય છે, જ્યારે ચેક ભરવામાં આવે, ત્યારે બેલેન્સના અભાવે ચેક રિટર્ન થઈ જાય છે. માત્ર અમદાવાદમાં જ આવા 508 નાના મોટા વેપારીઓ આ સંદર્ભમાં અરજી પોલીસમાં કરી ચુક્યા છે.

અમદાવાદ સેક્ટર-2ના જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર દ્વારા આ પ્રકારના ભોગ બનેલા વેપારીઓની અરજીની તપાસ યોગ્ય દિશામાં થાય અને વેપારીઓના ડુબેલા નાણાં પાછા મળે તે માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી છે. ગૃહમંત્રી સાથે થયેલી ચર્ચામાં આ 508 વેપારીઓના ડુબેલા નાણા પરત મળે અને તેમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ થાય તે માટે કુલ 10 ટીમ બનાવવામાં આવી છે. દરેક ટીમનું વડપણ એક પોલીસ સબ ઈન્સપેક્ટર કરશે અને દરેક ટીમમાં 10 પોલીસ જવાનો રહેશે. તા. 5મી મેના રોજ આ 10 ટીમ દેશના રાજસ્થાન, કલકત્તા, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ અને હરિયાણા જવા રવાના થશે.

Next Story