ભરૂચ : આમોદના નવા દાદાપોર ગામે કેનાલનું પાણી ફરી વળ્યું, નહેર નિગમની બેદરકારીનો ગ્રામજનો દ્વારા આક્ષેપ..!

આમોદ તાલુકાના નવા દાદાપોર ગામ નજીકથી પસાર થતી કેનાલનું પાણી ગામમાં ફરી વળતાં ગ્રામજનોને હાલકી વેઠવાનો વારો આવ્યો છે.

Update: 2024-02-13 09:06 GMT

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નવા દાદાપોર ગામ નજીકથી પસાર થતી કેનાલનું પાણી ગામમાં ફરી વળતાં ગ્રામજનોને હાલકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નવા દાદાપોર ગામ પાસે કેનાલ આવેલી છે. જેમા હાલ ફરીથી નહેર વિભાગ દ્વારા પાણી છોડવામાં આવ્યું છે. જે નવા દાદાપોર ગામના લોકો માટે એક મુશિબત સાબિત થઈ રહ્યુ હોય તેમ લાગી રહ્યું છે. વધુ પડતી પાણીની આવકનાં પગલે નહેરનાં પાણી ગામ લોકોને અવર જવર કરવાની પણ તકલીફ આપી રહ્યા છે, જયારે ગામ લોકોના મકાનોના ખાળકૂવા પણ નહેરના પાણીને લઇ ભરાઈ જતા ગામ લોકો ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બન્યા છે. નવા દાદાપોર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકોર જણાવ્યું હતું કે, વધુ પડતી પાણીની આવક અને નહેરમાં પડેલા મોટા ગાબડાંના કારણે કેનાલનું પાણી બહાર ફેલાઈ રહ્યુ છે. જેના પગલે નવા દાદાપોર ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું. મચ્છરોના ઉપદ્રવથી ગામમાં રોગચાળો ફેલાવાની દહેશત વર્તાય રહી છે. આ મામલે નહેર વિભાગના અધિકારીઓને મૌખિક અને ટેલીફોનીક જાણ કરવાં છતાં આજ દિન સુધી કોઈ અધિકારીએ સ્થળ પર આવવાની તસ્દી લીધી ન હતી. અન્ય ગ્રામજનોએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, નહેર વિભાગના અધિકારીઓ દ્વારા નીતિ નિયમોને નેવે મુકી કેનાલમાં પાણી ખૂબ વધું પ્રમાણમાં છોડવામાં આવી રહ્યુ છે. જેના પગલે બારે માસ આ પ્રશ્ન ઉદભાવતા હોય છે. જેનું નિરાકરણ લાવવામાં નહેર વિભાગના અધિકારીઓ હમેશા નિષ્ફળ રહ્યા છે, ત્યારે હાલ તો ગ્રામજનોની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Tags:    

Similar News