ભરૂચ : પાલેજ એક સોસાયટીમાં તસ્કરોનો હાથફેરો, રહીશોમાં ભારે ફફડાટ વ્યાપ્યો

પાલેજની કલ્પના નગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી લાખોની મતાની ચોરી કરી તસ્કરો પલાયન, રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Update: 2022-05-10 08:31 GMT

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત કલ્પના નગર સોસાયટીમાં એક વેપારીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની મતાની ચોરી કરી પલાયન થઇ જતા સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજની કલ્પના નગર સોસાયટીમાં રહેતા હમીદભાઈ મેમણ કે જેઓ કઠોળનો વેપાર કરે છે. તેઓ ગત તારીખ પાંચમી મે ના રોજ પોતાના સપરિવાર સાથે મકાનને બંધ કરી તાળુ મારી રાજસ્થાનના સુપ્રસિધ્ધ યાત્રાધામ અજમેર શરીફ દરગાહના દર્શન કરવા ગયા હતા. હમીદભાઈ મેમણ અજમેર શરીફથી પોતાના પરિવાર સાથે નવમી મેના રોજ પાલેજ પરત ફર્યા હતા. તેઓ પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા બાદ તેઓએ ઘરમાં પ્રવેશ કરતા પોતાના નિવાસ સ્થાનના દરવાજાનો નકુચો તૂટેલો જોતા તેઓના પેટમાં ફાળ પડી હતી અને કશું અજુગતુ બન્યું હોવાનો શક તેઓને પડ્યો હતો.

તેઓએ ઘરમાં પ્રવેશી પોતાનો રૂમ જોતા કબાટ ખુલ્લો હતો અને કબાટમાંની વસ્તુઓ વેરણછેરણ પડેલી જોતા જ તેઓના પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી. તેઓના મકાનના અલગ અલગ રુમમા રાખેલ સોનાના દાગીના આશરે ૧૭.૫ તોલા કી.રૂ.૮,૦૫,૦૦૦/- તથા રોકડા રૂપિયા ૬,૫૦,૦૦૦/- મળી કુલ ૧૪,૫૫,૦૦૦/-ની કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી પલાયન થઇ ગયા હતા. ઉનાળાની ઋતુમાં પણ તસ્કરોએ હાથફેરો કરતા નગરજનોમાં તરેહ તહેરની ચર્ચાઓ ઉઠવા પામી છે. પોલીસ દ્વારા નગરમાં પેટ્રોલિંગ કડક બનાવવમાં આવે એવી નગરજનો દ્વારા માગ ઉઠવા પામી છે. ઘટના સંદર્ભે અબ્દુલ રસીદ હમીદ મેમણે પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Tags:    

Similar News