ભરૂચ : અટાલીની અવાવરૂ હોટલમાં સળગાવાયો સ્વીટી પટેલનો મૃતદેહ, પતિના મોબાઇલથી ગુથ્થી ઉકેલાઈ

પીઆઇ અજય દેસાઇએ જ કરી પત્ની સ્વીટીની હત્યા, લગ્ન માટે દબાણ કરતાં સ્વીટી પટેલની કરાઇ હત્યા.

Update: 2021-07-25 09:01 GMT

વડોદરા ગ્રામ્ય એસઓજીના તત્કાલિન પીઆઇ અજય દેસાઇની પત્ની સ્વીટી પટેલના ગુમ થવાના મામલાનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગણતરીના દિવસોમાં ઉકેલી નાંખ્યો છે. સ્વીટીની હત્યા તેના જ પીઆઇ પતિ અજય દેસાઇએ કરી હતી અને કોંગ્રેસના નેતા કિરીટસિંહ જાડેજાની મદદથી અટાલીની બંધ હોટલ પાસે મૃતદેહને સળગાવી નાંખ્યો હતો.

સ્વીટી પટેલ.... આ નામ છેલ્લા એક મહિનાથી રાજયભરમાં ચર્ચાની એરણે ચઢયું છે. સ્વીટી પટેલએ વડોદરા ગ્રામ્ય એસઓજીના પીઆઇ અજય દેસાઇના પત્ની હતી. અજય દેસાઇ અને સ્વીટી પટેલે 2016માં મંદિરમાં સાત ફેરા ફર્યા હતાં. અજય દેસાઇએ 2017માં અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધાં હતાં. પીઆઇ અજય દેસાઇ બે - બે પત્નીના પતિ બન્યાં હતાં. સ્વીટી પટેલ કરજણની પ્રયોશા સોસાયટીના મકાનમાં જયારે અજય દેસાઇના બીજા પત્ની વડોદરા ખાતે રહેતાં હતાં. સ્વીટી પટેલ અજય દેસાઇ પર લગ્ન કરી લેવા માટે દબાણ કરતાં હતાં. આ બાબતે બંનેના સંબંધોમાં કડવાશ આવી ગઇ હતી પણ આ કડવાશ સ્વીટી પટેલને તેના મોત સુધી ખેંચી જશે તેની કોઇને કલ્પના પણ ન હતી. તારીખ ચાર જુનની રાત્રિએ કરજણની પ્રયોશા સોસાયટીમાં આવેલાં બંગલામાં સ્વીટી અને અજય વચ્ચે ઝગડો થયો હતો. તે રાત્રિએ સ્વીટી પટેલ તેમના બે વર્ષીય સંતાન સાથે સુતા હતાં તે સમયે અજય દેસાઇ ગળુ દબાવીને સ્વીટી પટેલની હત્યા કરી નાંખે છે.

હવે ખરો ખેલ ખેલાય છે... સ્વીટી પટેલની હત્યા બાદ પીઆઇ અજય દેસાઇ તેમના મિત્ર કિરીટસિંહ જાડેજાને ફોન કરે છે. પ્રયોશા સોસાયટીના બંગલામાં સ્વીટી પટેલનો અવાજ હંમેશના માટે શાંત થઇ ચુકયો છે. અજય દેસાઇ સ્વીટી પટેલના મૃતદેહને ઉપરના માળે બેડરૂમમાં મુકી આવે છે. બીજી તરફ કીરીટસિંહ જાડેજા અને પીઆઇ અજય દેસાઇ સ્વીટીના મૃતદેહનો નિકાલ કેવી રીતે કરવો તેના આયોજનમાં લાગી જાય છે. કીરીટસિંહ જાડેજા અટાલી ગામે આવેલી તેમની અવાવરૂ હોટલની વાત કરે છે અને ત્યાં જ મૃતદેહને સળગાવી દેવાનું નકકી કરાય છે.

પ્રયોશા સોસાયટીના બંગલામાંથી સ્વીટીના મૃતદેહને જીપ કંપાસ કારની ડીકીમાં નાંખીને અવાવરૂ હોટલમાં લઇ જવામાં આવે છે અને ત્યાં તેના પર જવલનશીલ પ્રવાહી નાંખી સળગાવી દેવામાં આવે છે. પ્રયોશા સોસાયટીથી આ અવાવરૂ હોટલ 49 કીમી દુર આવેલી છે. બીજી તરફ અજય દેસાઇ પત્ની ગુમ થઇ હોવાનું રટણ ચાલુ રાખે છે. પોલીસની તપાસમાં સ્વીટી પટેલ ગુમ થયાના બીજા દિવસનું પીઆઇનું લોકેશન અટાલી બતાવે છે. 200થી વધારે પોલીસ કર્મચારીઓની ટીમે અટાલી તથા આસપાસનો વિસ્તાર ખુંદી નાંખ્યો જેમાં અવાવરૂ હોટલ પાસેથી સળગી ગયેલી હાલતમાં માનવ અસ્થિ મળી આવે છે. આ હોટલ કોંગ્રેસના નેતા કીરીટસિંહ જાડેજા તથા અન્ય ભાગીદારોની હોવાનું ખુલે છે.

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપી હતી. ચાર દિવસમાં જ ક્રાઇમ બ્રાંચે આખા રહસ્ય પરથી પડદો ઉંચકી નાંખ્યો છે. સ્વીટી પટેલની હત્યા અને પુરાવાના નાશ કરવાના ગુનામાં તેના પીઆઇ પતિ અજય દેસાઇ અને કોંગ્રેસના નેતા કીરીટસિંહ જાડેજા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચની આકરી પુછપરછમાં કીરીટસિંહ જાડેજાએ વટાણા વેરી દીધાં હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

Tags:    

Similar News