લીંબડીના યુવાને રૂપિયાની ઉઘરાણીથી કંટાળી મોતને વ્હાલું કર્યું, સ્યુસાઇડ નોટમાં લખ્યું મેં દારૂના કારણે ઘણું ગુમાવ્યું!

લીંબડીની ઉમૈયાપાર્ક સોસાયટીમાં રહેતા 43 વર્ષીય પરણિત પુરુષે પૈસાની ઉઘરાણીથી કંટાળીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું

Update: 2021-12-05 16:38 GMT

લીંબડીની ઉમૈયાપાર્ક સોસાયટીમાં રહેતા 43 વર્ષીય પરણિત પુરુષે પૈસાની ઉઘરાણીથી કંટાળીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યા કરતાં પહેલા યુવાને 4 પાનાંની સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં પૈસા, દાગીનાની લેતીદેતી સહિતની વિગતો જાહેર કરી હતી. સાથે બાળકો અને પત્ની માટે દિલાસો પણ લખ્યો હતો.

લીંબડીની ઉમૈયાપાર્ક સોસાયટીમાં હનુમાનજી મંદિર પાસે રહેતા 43 વર્ષીય પરણિત ધર્મેન્દ્ર લવજીભાઈ મીઠાપરાએ લેણદારના વચેટીયા દ્વારા કરાતી પઠાણી ઉઘરાણીથી કંટાળીને ઘરે ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું હતું. આત્મહત્યા કરતાં પહેલા ધર્મેન્દ્રએ લખેલી 4 પાનાંની સ્યુસાઈડ નોટ મૃત્યુ બાદ તેમના ખીચામાંથી મળી આવી હતી. સ્યુસાઈડ નોટમાં તેને લખ્યું હતું કે તેમની સોસાયટીમાં રહેતો મુળ મોટા ટીંબલા ગામના ગોપાલ જતાપરા (કોળી પટેલ) પાસેથી મૃતકને રૂ.6.23 લાખ લેવાનાં છે. જેમાંથી ગોપાલે મોટાટીંબલાના જીલુભા અને તેમના ભાઈ પાસેથી 1.20 લાખ અપાવ્યા હતા. આ પૈસા ગોપાલનો દિકરો દિલીપ થોડા થોડા લઈ ગયો. અંતે તેને પણ સ્યુસાઈડ કર્યું. આ બધું 2 વર્ષથી ચાલે છે. હું જીલુભાનું વ્યાજ દર મહિને ગોપાલને આપી દેતો હતો. પરંતુ ગોપાલ વ્યાજના પૈસા તેમને પહોંચાડતો નહોતો. ભીમનાથ સોસાયટીમાં રહેતા રાજુભાઈ કોકડીવાળાને 8 દાગીના આપીને તેમની પાસેથી રૂ.85,000 લીધાં હતા. સોના ઉપર લોન લીધી હતી તે ઘરેણાં છોડાવી લેવા જણાવ્યું હતું.

જયારે જરૂર પડી ત્યારે પત્નીએ ઘરેણાં આપી મુસીબતમાંથી બહાર કાઢ્યો હતો તે બદલે ધર્મેન્દ્રએ પત્નીનો આભાર માન્યો હતો. પાડોશીને બાળકોને હુંફ આપી ધ્યાન રાખવા કહ્યું હતું. મિત્રો અને પુત્ર કાનાને જણાવ્યું હતું કે મેં દારૂમાં ઘણું-બધું ખોયું પણ તમે માવા કે સોપારીનું વ્યસન નો કરતાં આમાં આપડું ઘર બરબાદ થઈ જાય છે. ધર્મેન્દ્રએ સ્યુસાઈડ નોટમાં પિતાની માફી માંગી મોટા પુત્ર કાનાને ધંધે લગાડવા અને નાના પુત્ર ભવ્યને ભણવામાં મદદ કરવા કહ્યું હતું. મૃતકના પિતા લવજીભાઈ માવજીભાઈ મીઠાપરાએ પઠાણી ઉઘરાણી કરી પુત્રને મરવા માટે મજબુર કરનાર ગોપાલ પટેલ વિરુદ્ધ લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Tags:    

Similar News