વલસાડ : ધરાસણામાં રૂ. 2 કરોડના ખર્ચે નિર્માણધીન DGVCL પેટા વિભાગીય કચેરીનું ઊર્જા મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

વીજ કંપનીઓમાંથી ટોપ પાંચ કંપનીઓમાં ગુજરાતની જ ચાર કંપનીઓ સ્થાન ધરાવે છે, અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડે તો પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે

Update: 2022-08-20 12:28 GMT

વલસાડ જિલ્લાના ધરાસણા ગામ ખાતે રૂ. ૨.૦૨ કરોડના ખર્ચે તૈયાર થયેલા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ધરાસણા પેટા વિભાગીય કચેરીનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર દેશમાં વીજ ક્ષેત્રે ગુજરાત નંબર ૧ છે, એમ જણાવતા નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ લોકાર્પણ પ્રસંગે કહ્યુ હતું કે, સમગ્ર દેશમાં કુલ ૬૭ જેટલી વીજ કંપનીઓ કાર્યરત છે. તેના તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં આ બધી વીજ કંપનીઓમાંથી ટોપ પાંચ કંપનીઓમાં ગુજરાતની જ ચાર કંપનીઓ સ્થાન ધરાવે છે, અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડે તો પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.

આ કચેરી દ્વારા અસપાસના ગામોને લાભ થશે તેમજ વીજ સમસ્યાઓનો ઉકેલ આવશે. ગુજરાતમાં હાલમાં સોલાર રૂફટોપ દ્વારા રોજની ૨૦૦૦ મેગાવોટ અને પવનઊર્જા મારફતે રોજની ૩૦૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. તેમજ ભારતમાં એક વ્યક્તિદીઠ ૧૧૩૨ યુનિટ વીજ વપરાશ છે, જ્યારે ગુજરાતમાં આ વીજવપરાશ વધીને વ્યક્તિદીઠ ૨૧૮૩ યુનિટ્નો છે. વીજ કટોકટીના સમયે પણ ગુજરાતમાં એકપણ દિવસ વીજકાપ અપાયો નથી.

તેથી દરેક ક્ષેત્રે ડબલ એંજિનની સરકારથી દરેકને ફાયદો થઈ રહ્યો છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની ખૂબ સારી કામગીરી કરી રહી છે. તેથી દરેકે સાથે મળીને દરેક સમસ્યાનો ઉકેલ લાવવો. કાંઠા વિસ્તારમાં ખારી હવાને કારણે વીજ કેબલોને નુકશાન થવાથી વીજ સમસ્યાઓ ઉદભવે છે તેના ઉકેલ સ્વરૂપે હવે જુદા પ્રકારના કેબલ લગાવી આ સમસ્યાનો પણ ઉકેલ લાવવામાં આવશે.

લોકાર્પણ પ્રસંગે વલસાડ અને ડાંગના સાંસદશી ડૉ. કે.સી.પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, આ કચેરીની રચનાથી આંતલીયા અને ડુંગરી સબ સ્ટેશનથી છૂટા પડેલા આસપાસના વિસ્તારના અનેક ગામોને લાભ મળશે.

Tags:    

Similar News