આણંદ : વલ્લભ વિદ્યાનગર પોલીસ કસ્ટડીમાં યુવાનનો આપઘાત, મારથી મોત થયાનો આક્ષેપ

આણંદના વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં પૂછપરછ માટે લાવેલા આદિવાસી યુવાને આજે વહેલી સવારે પોલીસ કસ્ટડીમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જો કે મૃતકના પરિવારજનોએ પોલીસનાં મારથી યુવકનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરતાં મામલો ગરમાયો છે.
વલ્લભ વિદ્યાનગર પોલીસે ઘરફોડ ચોરીના ગુનાની તપાસ માટે દાહોદ જિલ્લાનાં આદિવાસી યુવકની અટકાયત કરી હતી. જે દરમિયાન આજે વહેલી સવારે અટકાયતમાં રખાયેલા આરોપીએ પોલીસ મથકની કસ્ટડીમાં સાલ વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, મૃતક યુવાનને ચાર દિવસ પૂર્વે પોલીસ મથકમાં લાવવામાં આવ્યો હતો. ત્રણ દિવસથી યુવાનની માતા અને પત્ની સહિતના પરિવારજનો તેને મળવાનો પ્રયાસ કરતાં હતાં પણ પોલીસ તેમને મળવા દેતી ન હતી. આજે સવારે પોલીસે યુવાનનો મૃતદેહ માતાને બતાવ્યો હતો. પોલીસના મારના કારણે યુવાનનું મોત થયું હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહયાં છે. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરમસદની મેડિકલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે આ ઘટનામાં અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.