ભરૂચ : લોકમાતા નર્મદામાં ઘોડાપુર : નીચાણવાળા વિસ્તારો બન્યાં પાણી પાણી

1165

નર્મદા નદીની વધી રહેલી સપાટીની અસર ભરૂચ અને અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળી રહી છે. નદીની સપાટી 31 ફૂટ સુધી પહોંચી જતાં જિલ્લામાંથી 1,000થી વધારે લોકોનું સ્થળાંતર કરાયું છે. ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી ફરી વળ્યાં છે.

નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી આવી રહેલા પાણીના કારણે ડેમમાંથી નદીમાં 7.60 લાખ કયુસેકથી વધારે પાણી છોડવામાં આવી રહયું છે. ડેમમાંથી આવી રહેલા પાણીના કારણે ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીએ 24 ફૂટની ભયજનક સપાટી વટાવી દીધી છે. નર્મદા નદીની સપાટી 31 ફૂટ સુધી પહોંચી જતાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયાં છે. ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો દાંડીયાબજાર, ધોળીકુઇ બજાર, ફૂરજા સહીતના નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી પ્રવેશી ગયાં છે. 2013ની સાલમાં આવેલા પુર બાદ ફરી એક વખત ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં નાવડીઓ ફરતી જોવા મળી હતી. નર્મદા નદીની નજીકના વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પાણીનો ભરાવો થતાં વેપારીઓમાં દોડધામ મચી હતી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યાં છે. અંકલેશ્વરની સ્થિતિ પર નજર નાખવામાં આવે તો નદી કિનારે આવેલા બોરભાઠા બેટ, સરફુદીન સહિતના નીચાણવાળા વિસ્તારના ગામોમાં નદીના પાણી ફરી વળતાં લોકો અને પશુઓનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. ઝઘડીયા તાલુકાના ગામડાઓમાંથી પણ લોકોને સલામત સ્થળોએ ખસેડી લેવામાં આવ્યાં છે. જિલ્લામાંથી એક હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરાયું છે. પુરની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે. 9મી ઓગષ્ટથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહયું હોવાથી નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. મંગળવારના રોજ નદીના પાણી ભયજનક સપાટીથી 6 ફૂટ ઉપર વહી રહયાં છે. નર્મદા અને વડોદરા જિલ્લાના નીચાણવાળા ગામોના લોકોને સાબદા રહેવા સુચના આપવામાં આવી છે.

LEAVE A REPLY