Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પોલીસનો સ્વાંગ રચી રૂ. 35 લાખથી વધુની છેતરપિંડી આચરનાર ભેજાબાજોને LCBએ દબોચી લીધા...

એક ભેજાબાજ ટોળકી સસ્તી કિંમતમાં સોદાના નામે લોકોને મિટિંગ માટે બોલાવી પોલીસ કે, અન્ય સરકારી એજન્સીઓનો સ્વાંગ રચી દરોડાનો હાઉ ઉભો કરી ભોગ બનનારને ભગાડી મુકતી હતી.

X

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામે નડિયાદના વેપારીને પ્લાસ્ટિકના દાણાના સોદા માટે બોલાવી 8 શખ્સોએ પોલીસની રેડનો સ્વાંગ રચી રોકડા રૂપિયા 15 લાખ ખંખેરવા સહિત વ્યારાના વેપારીને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી રૂ. 50 લાખ પડાવી લેવાના મામલે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 5 ભેજાબાજોને રૂ. 35 લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે, તો અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેમની ધરોપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

એક ભેજાબાજ ટોળકી સસ્તી કિંમતમાં સોદાના નામે લોકોને મિટિંગ માટે બોલાવી પોલીસ કે, અન્ય સરકારી એજન્સીઓનો સ્વાંગ રચી દરોડાનો હાઉ ઉભો કરી ભોગ બનનારને ભગાડી મુકતી હતી. આ લોકો ડીલના નામે કોરા ચેક લઈ બાદમાં તેને બાઉન્સ કરી કેસો કરવાની ધમકીઓ આપી પૈસા પડાવતા હતા. આ છેતરપીંડી આચારનાર ગેંગમાં સામેલ ફરીયાદીના મિત્રએ ફરીયાદીને પ્લાસ્ટીકના દાણા બનાવતી કંપની ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામ પાસે આવી છે, અને માલીક ઓળખીતો હોય જેથી સસ્તા ભાવે માલ મળશે, તેવું બહાનું બતાવી ફરીયાદીને ભોળવી આછોદ ખાતે લઇ આવ્યા હતા, જ્યાં બેઠક કરી દાણા લેવા અંગે સોદો નક્કી કરી નાણાની વ્યવસ્થા કરી ફરી આવવ માટે જણાવ્યુ હતું. બાદમાં ફરીયાદી પ્લાસ્ટીકના દાણા લેવા માટે આ ગેંગમાં સામેલ તેના મિત્ર સાથે 15 લાખ રૂપિયા તથા માલ ભરવા માટે ટેમ્પો લઇ ફરી વખત આછોદ નજીક આવ્યો હતો, જ્યાં કોઇ ગોડાઉન નજીક ટેમ્પો ઉભો રખાવી નાણાકીય વ્યવહાર અર્થે ફરીયાદીને આછોદ ગામે આરોપીના ઘરે લઇ જવામાં આવ્યો હતો. જોકે, નક્કી થયેલ સોદા મુજબ ગેંગના આરોપીઓ સાથે વાતચીત ચાલુ હતી. આ દરમ્યાન ગેંગમાં સામેલ અન્ય ચારેક અજાણ્યા ઇસમોએ ઘરમાં આવી પોલીસની ખોટી ઓળખ આપી હતી. ફરીયાદીને લાકડીઓ તથા છરો બતાવી ફરીયાદી પાસેથી બળજબરી પૂર્વક રોકડ રકમ 15 લાખ તથા બેંકના ચેક કઢાવી ફરીયાદીને ધમકીઓ આપી ભગાવી મૂક્યો હતો.

જોકે, ફરિયાદીએ હિંમત દાખવી પોલીસ ચોપડે ફરીયાદ નોંધાવી હતી, ત્યારે ગુનાની ગંભીરતા સમજી ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલે આમ જનાતાના રૂપિયા ખંખેરતી ગેંગને વહેલીતકે ઝડપી લેવા પોલીસ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી, ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ તથા આમોદ પોલીસ મથકની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આરોપીઓનું પગેરૂ શોધી કાઢવા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિક્લ સર્વેલન્સના આધારે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, ત્યારે આમોદના આછોદ ગામે આરોપીના ઘરે છાપો મારતા છેતરપીંડી આચારનાર કુખ્યાત ગેંગના 5 સાગરીતો ઝડપાયા હતા. તેઓના ઘરમાંથી તથા અંગ ઝડતીમાંથી રોકડા રૂપીયા 15,60,500/- તથા બાળકોમાં રમવામાં ઉપયોગમાં લેવાતી ચીલ્ડ્રન બેંકની અલગ અલગ દરની નોટોના બંડલો મળી કુલ નોટ નંગ 37,900 તથા 10 મોબાઇલ સહીત રૂપિયા 16,61,500/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, આ તપાસ આગળ વધારતા વ્યારાના એક વેપારીને પણ સસ્તામાં સોનું આપવાની લાલચ આપી આમોદ બોલાવી રૂપિયા 50 લાખ પડાવી લીધા હોવાનું પણ બહાર આવતા પોલીસે બીજો ગુનો નોંધી રૂ. 20 લાખથી વધુની રકમ જપ્ત કરી છે. સમગ્ર મામલે પોલીસે ખાલીદ જાનુ યાકુબ શીરૂ, ઇમ્તીયાઝ ઉર્ફે દેડકો અહેમદ પટેલ, હનીફ નીઝામ પઠાણ, નાજીમ મહેબુબ હસન મલેક અને સાજીદ સકીલ અહેમદ ઇદ્રીશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ, પોલીસે સુણેવના પ્રકાશચંદ્ર પ્રજાપતિ તેમજ એજન્ટ પારસને વોન્ટેડ જાહેર કરી બન્નેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

Next Story