શ્રાવણ મહિનાના વદ પક્ષની પાંચમ એટલે નાગ પાંચમ આ તિથિએ નાગ પાંચમ ઊજવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ શુક્રવાર, 27 ઓગસ્ટના રોજ છે. આ દિવસે નાગ દેવતાના પૂજનની પરંપરા છે. ભવિષ્ય પુરાણ સહિત અન્ય પુરાણોમાં પણ તેનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.
નાગ પાંચમ સાથે જોડાયેલી કથા પ્રમાણે એવું માનવામાં આવે છે કે, આ દિવસે સ્ત્રીઓ નાગને પોતાનો ભાઈ માનીને તેમની પૂજા કરે છે અને ભાઈ પાસે પોતાના કુટુંબની રક્ષાના આશીર્વાદ લે છે. નાગપાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી કુંડળીના રાહુ અને કેતુ સાથે સંબંધિત દોષ દૂર થઇ શકે છે.
નાગપાંચમના દિવસે કાલસર્પ યોગની પૂજા પણ કરાવવામાં આવે છે. આ પૂજાથી કામકાજમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થાય છે. સનાતન ધર્મમાં દેવી-દેવતાઓના વાહન સ્વરૂપમાં પશુ-પક્ષીઓની પૂજાનું પણ વિધાન ઉલ્લેખવામાં આવ્યું છે. આ સિવાય પુરાણમાં નાગલોકનો પણ ઉલ્લેખ મળી આવ્યો છે. યક્ષ, ગંધર્વ અને કિન્નરો સાથે નાગને પણ દેવી-દેવતાઓના લોકમાં ખાસ જગ્યા આપવામાં આવી છે. માટે તેમની પણ પૂજા કરવામાં આવે છે.
નાગપાંચમનું મહત્ત્વઃ-
- નાગ ધનની રક્ષા માટે તત્પર રહે છે અને તેમને ગુપ્ત, સંતાડેલાં અને દાંટેલાં ધનની રક્ષા કરનાર માનવામાં આવે છે.
- નાગ, માતા લક્ષ્મીની રક્ષા કરે છે. જે આપણાં ધનની રક્ષામાં તત્પર રહે છે. એટલે ધન-સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્તિ માટે નાગ પાંચમ ઉજવવામાં આવે છે.
- આ દિવસે નાગ દેવતાની આરાધનાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
- જે વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ હોય છે તેઓએ આ દોષથી બચવા માટે નાગ પાંચમનું વ્રત કરવું જોઇએ.
- જેમને મોટાભાગે સાપ જોવા મળે છે અથવા સાપથી વધારે બીક લાગતી હોય તો તેમણે વિધિ-વિધાનથી નાગની પૂજા કરવી જોઇએ.
- ખાસ કરીને નાગ પાંચમના દિવસે નાગદેવની પૂજા કરવાથી આ ભય દૂર થઇ જાય છે.
નવ નાગની પૂજાનું વિધાનઃ-
- ભવિષ્ય પુરાણમાં નાગ પાંચમે નવ નાગની પૂજાનું વિધાન છે. જેમાં અનંત, વાસુકિ, શેષનાગ, પદ્મનાભ, કંબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, કાળિયા અને તક્ષક નાગનો સમાવેશ થાય છે.
- પૂજા માટે સવારે નાગદેવતાના ચિત્રને દોરી અથવા તેના ફોટાને લાકડાના બાજોટ ઉપર રાખીને હળદર, કુલેર, તલવટ, ચોખા અને ફૂલ ચઢાવો.
- કાચા દૂધથી નાગદેવનો અભિષેક કરવો. ત્યાર બાદ નૈવેદ્ય અર્પણ કરોવું અને આરતી ઉતારી તેનું પૂજન કરવામાં આવે છે.
નાગપાંચમમાં નૈવેદ્ય:-
નાગપાંચમીનાં દિવસે નૈવેદ્યમાં ફણગાવેલા શ્રીફળ મગ, ચણા,બાજરો,ઘઉંના લોટની કુલેર,બાજરીના લોટની કુલેર, અને તલવટનું નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે.
અને નાગપાંચમના વ્રત કરનારને પણ આ જ નૈવેદ્ય જમવાના હોય છે.