Connect Gujarat
ધર્મ દર્શન 

જુનાગઢ : મહાશિવરાત્રી મેળાના બીજા દિવસે ઉમટી માનવમેદની, વિદેશી શ્રદ્ધાળુઓ પણ આવ્યા મેળો મહાલવા

જુનાગઢ ખાતે મહાશિવરાત્રીના મેળામાં આજરોજ બીજા દિવસે લાખોની સંખ્યામાં માનવમેદની ઉમટી પડી હતી.

X

જુનાગઢ ખાતે મહાશિવરાત્રીના મેળામાં આજરોજ બીજા દિવસે લાખોની સંખ્યામાં માનવમેદની ઉમટી પડી હતી. આ સાથે જ કેટલાક વિદેશી શ્રદ્ધાળુઓ પણ જુનાગઢ ખાતે મહાશિવરાત્રીનો મેળો મહાલવા આવી પહોચ્યા હતા.

જુનાગઢના ભવનાથ ખાતે મહાશિવરાત્રીના મેળામાં આજરોજ બીજા દિવસે લાખોની સંખ્યામાં માનવમેદની ઉમટી હતી. ખાસ કરીને આ વર્ષે આ મેળામાં નાગા સાધુઓ તેમજ કાંટાની પથારી પર બેઠેલા સાધુઓ અને રુદ્રાક્ષની માળાઓ પોતાના શરીર પર વીંટાળીને સમાધિ અવસ્થામાં બેઠેલા સાધુઓ લોકોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો ખાસ કરીને જુનાગઢ-ભવનાથ વિસ્તારમાં યોજાતાં મહાશિવરાત્રીના મેળામાં મુખ્ય 3 અખાડાઓ પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. જેમાં જૂના અખાડા, આહવાહન અખાડા અને અગ્નિ અખાડા આ ત્રણેય અખાડાઓની પરંપરા વિશે પણ જુના અખાડાના થાણાપતિ મહંત બુદ્ધગીરી બાપુએ જણાવ્યું હતું કે, આ અખાડાઓની સ્થાપના આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી છે. અખાડાઓ બધા એક જ છે, પરંતુ તેમાં દેવતાઓની પૂજા અલગ અલગ થતી હોય છે. જેમ કે જૂના અખાડામાં ભગવાન દત્તાત્રેયની પૂજા, આહવાહન અખાડામાં ભગવાન ગણપતિની પૂજા, જ્યારે અગ્નિ અખાડામાં માઁ ગાયત્રીની પૂજા થાય છે. મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ જ્યારે આ ત્રણેય અખાડાઓ તેમજ નાગા સાધુઓની રવાડી ભવનાથ વિસ્તારના રાજમાર્ગો પરથી પસાર થાય છે, ત્યારે આ રવાડી પૂર્વે વહીવટી તંત્ર દ્વારા આ રસ્તાને ગંગાજળ સહિતના પવિત્ર જળ વડે સાફ કરવામાં આવે છે.

આ તમામ બાબતોની વચ્ચે યુએસથી પધારેલ જેન્શન માર્ટેન નામના શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે, મારે આ મહાશિવરાત્રીના મેળામાં પ્રથમવાર જ આવવાનું થયું છે, અને આ મહાશિવરાત્રીના મેળામાં આવી ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. દિગંબર સાધુઓ તેમજ અખાડામાં બિરાજમાન સાધુ-સંતો, દેવી-દેવતાઓના દર્શન કરી પોતાની જાતને ખૂબ જ ધન્ય ગણું છું, અને સમગ્ર વિશ્વભરમાં વસતા લોકોએ આ મહાશિવરાત્રીનો મેળો એકવાર અવશ્યપણે નિહાળવો જોઈએ, તેમજ મહાશિવરાત્રીના મેળાનો જે મહિમા અને એની જે અનુભૂતિ છે, તેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે તેવું પણ તેણે અંતમાં જણાવ્યું હતું. તા. 8મી માર્ચ મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ નાગા સાધુઓના મૃગીકુંડમાં શાહિસ્નાન સાથે આ મેળાની પૂર્ણાહુતિ કરશે, ત્યારે લોકવાયકા મુજબ આ મૃગીકુંડમાં જે સાધુ સ્નાન કરે છે, તેમાં કેટલાક સાધુઓ મૃગીકુંડમાંથી પરત ન ફરતા સીધા જ અદ્રશ્ય થઈ જતા હોવાની પણ લોકોમાં એક માન્યતા છે. એવું કહેવાય છે કે, આ મેળા દરમિયાન જે સાધુ સાધુ ધુણાઓ કરી તપ સાધના કરતા હોય છે, તેમાંના કેટલાક સાધુઓમાં ખુદ ભગવાન મહાદેવ સાથ ચિરંજીવીઓ સહિતના દેવી-દેવતાઓ પણ આ સાધુ-સંતોનું રૂપ ધારણ કરીને આવતા હોવાની લોક માન્યતા છે.

Next Story