Connect Gujarat

નવસારી : આછવણી પ્રગટેશ્વર ધામ શિવ પરિવારની તીર્થયાત્રા સંપન્ન, ભિક્ષુકોને અન્ન-વસ્ત્ર દાન કરાયું

ધર્મચાર્ય પરભુદાદાએ દેવભૂમિ દ્વારકા ખાતે સામુહિક સત્યનારાયણ કથા યોજી ભિક્ષુકોને અન્ન-વસ્ત્ર દાન કર્યું હતું.

નવસારી : આછવણી પ્રગટેશ્વર ધામ શિવ પરિવારની તીર્થયાત્રા સંપન્ન, ભિક્ષુકોને અન્ન-વસ્ત્ર દાન કરાયું
X

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ગામ સ્થિત પ્રગટેશ્વર ધામ શિવ પરિવારની પવિત્ર તીર્થયાત્રા ભક્તિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. જેમાં ધર્મચાર્ય પરભુદાદાએ દેવભૂમિ દ્વારકા ખાતે સામુહિક સત્યનારાયણ કથા યોજી ભિક્ષુકોને અન્ન-વસ્ત્ર દાન કર્યું હતું.

ખેરગામ તાલુકાના આછવણી ગામ સ્થિત પ્રગટેશ્વર ધામ સ્થિત શિવ પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં વિરપુરના જલારામ ધામ, સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ, દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર મહાદેવ અને ડાકોરના રણછોડરાય જેવા પવિત્ર તીર્થધામની ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું હતું.

આ તીર્થયાત્રામાં સામેલ શિવભક્તો જીવનમાં અનેકગણું પુણ્ય પ્રાપ્ત કરે તેવા શુભ ઉદ્દેશથી પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીના ધર્માચાર્ય પરભુદાદા અને રમણબાના સાનિધ્યમાં દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાન સત્ય નારાયણની સામુહિક કથાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કથામાં દ્વારકાના કલ્પેશ મહારાજ અને વિનયભાઈ તેમજ પ્રગટેશ્વર ધામના ગોર મહારાજ અનિલ જોશી અને કશ્યપભા જાની દ્વારા ભગવાન સત્યનારાયણની કથાનું પઠન કરાયું હતું. આ અવસરે ભિક્ષુક ભોજનનું પણ આયોજન કરાયું હતું જેમાં દ્વારકાના અનેક ભિક્ષુકોએ લાભ લીધો હતો.

દેવભૂમિ દ્વારકા તેમજ ડાકોર ખાતે ધર્મચાર્ય પૂ. પરભુદાદા અને રમણબાના વરદ હસ્તે ભિક્ષુકોને વસ્ત્રદાન પણ કરવામાં આવ્યું હતું. શિવ પરિવાર ભક્તજનોએ દ્વારકામાં ગોમતી નદીના ઓવારે પવિત્ર સ્નાન કરી દ્વારકાધીશના તેમજ ડાકોરમાં આવેલા ગોમતી તળાવમાં પવિત્ર સ્નાન કરી રણછોડરાયના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તીર્થ યાત્રા દરમિયાન શિવ પરિવારની બહેનોએ ભજનોની રમઝટ બોલાવી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. પવિત્ર શ્રાવણ માસના ચોથા સોમવારે પ્રગટેશ્વર દાદાને જળ અભિષેક કરવા માટે પવિત્ર તીર્થધામમાં આવેલી નદીઓના જળ એકત્ર કરવામાં આવ્યા હતા. પ્રગટેશ્વર ધામના પ્રમુખએ ભગવાન સત્યનારાયણની કથા અને તીર્થયાત્રાના આયોજનમાં સહયોગી સૌનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દાદા સંકલ્પ કરે તે પૂર્ણ થાય છે, અને જલારામ ધામ વીરપુરની પવિત્ર ધરતી ઉપર ૧૦૮ કુંડી શ્રીરામ યજ્ઞનો સંકલ્પ કર્યો છે, જે પણ આવનારા ભવિષ્યમાં અવશ્ય પૂર્ણ થશે.

Next Story
Share it