Connect Gujarat
ગુજરાત

ધીરૂભાઈ અંબાણી પાણીનું મહાત્મ્ય જાણનાર આર્ષર્દષ્ટા: પરિમલ નથવાણી

ધીરૂભાઈ અંબાણી પાણીનું મહાત્મ્ય જાણનાર આર્ષર્દષ્ટા: પરિમલ નથવાણી
X

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગયા રવિવારે તેમના વિશેષ કાર્યક્રમ મન કી બાતમાં રાષ્ટ્રને સંબોધન કરતાં જળ સંચય માટે જન આંદોલનમાં જોડાવા ભારતવાસીઓને અપીલ કરી હતી. આજે, રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ચેરમેન ધીરૂભાઈ અંબાણીની પુણ્યતિથિ નિમિત્તે તેમને યાદ કરતાં ધીરૂભાઇને મન પાણીનું મૂલ્ય શું હતું તે જાણીએ તો વડા પ્રધાનની જેમ જ તેમની સૂઝબૂઝ માટે પણ અનેકગણું માન ઉપજે છે.

ધીરૂભાઈ અંબાણીએ પોતાની વિશ્વ વિખ્યાત રિફાઇનરીની સ્થાપના કરવા માટે ગુજરાતના જામનગર પાસેના દરિયા કિનારાની નજીક જગ્યા પસંદગી કરી. જોવાની ખૂબી એ છે કે રિલાયન્સ રિફાઇનરી દેશની પહેલી એવી રિફાઇનરી છે જે દરિયા કિનારે સ્થપાઇ. દેશમાં અગાઉની રિફાઇનરીઓ વડોદરા, મથુરા, ન્યુમલીગઢ જેવાં ભૂમિબદ્ધ (Land-Locked) સ્થળોએ સ્થપાયેલી. સ્વાભાવિક રીતે જ મોટા પ્રમાણમાં બાંધકામ કરવા અને આટલી મોટી રિફાઇનરી સંકુલના પ્લાન્ટોમાં પ્રક્રિયાઓ માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ચોખ્ખા પાણીની જરૂરિયાત રહે. દરેક જગ્યાએ મહી કે યમુના જેવી બાર માસી નદીઓ કે 30 થી 40 ફૂટે વિપુલ ભૂગર્ભ જળ રાશિ ન પણ મળે. જામનગરમાં તો તે પ્રશ્ન જ નહોતો. રોજનું સરેરાશ 20 મિલિયન ગેલન પાણી એ કાંઇ નાની સૂની વાત છે? પણ ધીરૂભાઇ જેમનું નામ !

તેથી જ રિલાયન્સમાં દરિયાના પાણીને ડિસેલિનેશનની પ્રક્રિયાથી શુધ્ધ કરીને રિફાઇનરીમાં ઉપયોગમાં લેવામાં આવ્યા બાદ આ વપરાયેલા પાણીને એફેલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ઇ.ટી.પી.)માં શુધ્ધિકરણ કરવામાં આવે છે અને કૂલિંગ ટાવરમાં, ફાયર વોટર તરીકે અને લેન્ડસ્કેપિંગમાંતેનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે.

ધીરૂભાઈના આયોજન અને દૂરંદેશીભર્યા નેતૃત્વ હેઠળ તૈયાર થયેલા આ સંકુલમાં વરસાદી પાણીનો ખાસ અલગ અલગ સ્થળે નાનાં નાનાં તળાવો બનાવીને સંગ્રહ કરવામાં આવે છે,જેથી જરૂર મુજબ તેને ઉપયોગમાં લઇ શકાય. રિલાયન્સના રિફાઇનરી સંકુલમાં ધીરૂભાઈ અંબાણીના સ્વપ્ન સમાન 2968 એકર વિસ્તારમાં 9.5 મિલિયન પ્લાન્ટેશન ધરાવતા ગ્રીન બેલ્ટમાં પણ ડ્રીપ ઇરીગેશન જેવી પદ્ધતિના ઉપયોગથી પાણીનો બગાડ ન થાય તે રીતે ઉપયોગ કરવામાં આવે છે.એટલું જ નહીં, રિલાયન્સની ટાઉનશીપમાં ઘર વપરાશમાં ઉપયોગમાં લેવામાં આવતા પાણીને પણ બિન-ફળાઉ ઝાડને સિંચાઇ તથા લેન્ડસ્કેપિંગ માટે પુનઃઉપયોગમાં લેવામાં આવે છે. ટૂંકમાં રિલાયન્સમાં પાણીના વપરાશની એક એવી ‘જળચક્ર વ્યવસ્થા’ (Water Cycle System) છે જે પાણીને મહિમાવંત કરે છે.

ધીરૂભાઇની જળવ્યવસ્થાપનની સૂઝબૂઝનો લાભ માત્ર રિફાઇનરી સંકુલને જ નહીં પરંતુ જામનગર શહેર અને જામખંભાળિયાને પણ મળ્યો છે. 21મી સદીનાં પ્રારંભિક ત્રણ વર્ષોના ઉનાળા જામનગર જિલ્લા માટે અછત અને દુઃષ્કાળનાં વર્ષો હતાં. ત્યારે ધીરૂભાઇએ વર્ષ ૨૦૦૦માં ૨૮ એપ્રિલથી ૬જુલાઇ સુધીના ૭૦ દિવસો સુધી સતત દૈનિક ૧૬ લાખ ગેલન પાણી જામનગર શહેરની પ્રજાને પૂરૂં પાડ્યું હતું. તે માટે રિલાયન્સ સંકુલમાંથી જામનગર મહાનગરપાલિકાના એક જળાશય અને પમ્પ હાઉસ સુધી 22 કિલોમીટર લાંબી ખાસ પાઇપલાઇન પણ બિછાવવામાં આવી.વર્ષ 2001માં 22 મેથી 20 જૂન એમ 30 દિવસ સુધી દૈનિક 12 લાખ ગેલન લેખે અનેવર્ષ 2002માં 16 માર્ચ થી 17 જૂન સુધી એટલે કે લગાતાર 94 દિવસ સુધી દૈનિક 10 લાખ ગેલન પાણી જામનગર શહેરને પૂરૂં પાડ્યું હતું. કોઇ ઉદ્યોગ ગૃહ પોતાની જરૂરિયાતમાં કાપ મૂકી આટલા મોટા જથ્થામાં રોજે રોજ નગરજનો માટે પીવાનું પાણી પૂરૂં પાડે તે ભારતીય સમાજ સેવાના ઇતિહાસની વિરલ, અનન્ય અને અનુપમ ઘટના છે. આ સમયમાં ધીરૂભાઇએ જામનગર શહેર ઉપરાંત રિલાયન્સ સંકુલની આજુબાજુનાં અછત ગ્રસ્ત ગામો અને રાજસ્થાનનાં કેટલાંક ગામોમાં ટેન્કરો મારફત પીવાનું પાણી પૂરૂં પાડ્યું હતું તે તો અલગ. વર્ષ 2002ની 6 જુલાઇએ ધીરૂભાઇના અવસાન બાદ તેમની યાદગીરીમાં વર્ષ 2003માં જામ ખંભાળિયા નગરમાં પેદા થયેલા અભુતપૂર્વ જળ સંકટ સમયે પણ 29 એપ્રિલથી 7 જુલાઇ સુધી સતત 70 દિવસ દૈનિક એકલાખ ગેલન પાણી પૂરૂં પાડવામાં આવ્યું હતું.

Next Story