દેશમાં પહેલી જાન્યુઆરીના રોજથી ફાસ્ટટેગ ફરજિયાત થવા જઇ રહયો છે ત્યારે ભરૂચના મુલદ ટેકસપ્લાઝા ખાતે સ્થાનિક વાહનચાલકોને ટોલમાંથી મુકિત અપાઇ તેવી માંગ સાથે યુવક કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.
ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા વિકટ બની જતાં નર્મદા નદી પર નવો કેબલ સ્ટેઇડ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. નવો બ્રિજ બન્યાં બાદ મુલદ પાસે ટોલ પ્લાઝા બનાવી વાહનો પાસેથી ટોલ લેવાઇ રહયો છે. ભરૂચવાસીઓના આંદોલન બાદ ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત અપાઇ હતી પણ હવે પહેલી તારીખથી ફરીથી સ્થાનિક વાહનોએ પણ ફરજિયાત રીતે ટોલ ભરવો પડશે.
સ્થાનિક વાહનો પાસેથી ટોલ ઉઘરાવવાની તૈયારીઓ શરૂ થતાં યુથ કોંગ્રેસે પણ આંદોલન માટે પોતાના હથિયારો સજાવી દીધાં છે. યુથ કોંગ્રેસના જણાવ્યા અનુસાર કેબલ સ્ટેઇડ બ્રિજ ઇટીસીના ધોરણે બન્યો હોવાથી તેના પરથી પસાર થતાં વાહનો પાસેથી ટોલ લઇ શકાય નહિ તેમ છતાં સરકારે ટોલનાકુ બનાવી ઉઘરાણી શરૂ કરી દીધી છે. જો પહેલી તારીખથી ભરૂચના સ્થાનિક વાહનો પાસેથી ટોલ લેવાના નિર્ણયની ફેરવિચારણા નહિ કરાય તો બે દિવસ બાદ ટોલ પ્લાઝા ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ભરુચ કલેક્ટર કચેરી ઉપરાંત કોંગી આગેવાનોએ નેશનલ હાઇવે ઓથોરિટીની ભરુચ સ્થિત ઓફિસ ખાતે પહોંચી અધિકારીઓને ટોલ ટેક્સ બાબતે રજૂઆત કરી હતી. રજૂઆત કરતી વેળા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ, નગરપાલિકાના વિપક્ષના પૂર્વ નેતા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.તેમણે અધિકારીઓને ભરુચના સ્થાનિક વાહનો પાસેથી ટોલ ન લેવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી.