કોરોનાના કારણે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન અપાયા હતા, ત્યારે હાલ કોરોના હળવો થતાં શાળા પુનઃ શરૂ કરવામાં આવી છે. ભરૂચમાં આજે ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં સવારે 10 વાગ્યાથી ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ હતી. ભરૂચ રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા પરંતુ તેમના મોઢા પર નિરાશા જોવા મળી રહી હતી અને વાલીઓ પણ નિરાશ જણાઈ રહ્યા હતા. શિક્ષણ વિભાગ દ્વારા દરેક કેન્દ્રો ઉપર તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
ભરૂચમાં ધોરણ 10 અને 12ના તમામ પરીક્ષા કેન્દ્રો પર સેનેટાઇઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. પરીક્ષા કેન્દ્ર પર આવતા તમામ પરીક્ષાર્થીઓને શરીરનું તાપમાન તપાસી, સેનેટાઇઝ કર્યા બાદ જ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જામનગર જિલ્લામાં ધોરણ 10ના 9297 વિદ્યાર્થી, ધોરણ-12 સામાન્ય પ્રવાહના 1311 વિદ્યાર્થી અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના 2869 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તેમજ ધોરણ 10 અને 12ના જિલ્લામાં અંદાજિત 13744 જેટલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.