Connect Gujarat
ગુજરાત

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પેટા ચુંટણી, 92 બેઠકો ઉપર 248 ઉમેદવારો વચ્ચે જંગ

X

રાજયમાં નવા મંત્રીમંડળની રચના બાદ પ્રથમ ચુંટણી યોજાઇ રહી હોવાથી ભાજપની શાખ દાવ પર લાગી છે. સ્થાનિક સ્વરાજની પેટા ચુંટણીઓના જંગમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પુરા જોમ અને જુસ્સા સાથે ઝંપલાવી રહી છે. રાજયની કુલ 92 બેઠકો માટે 248 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયાં છે........

રાજયના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ તથા તેમના નવા મંત્રી મંડળની રચના બાદ રાજયમાં પ્રથમ વખત ચુંટણી યોજાઇ રહી છે. ગુજરાતમાં આખે આખું મંત્રીમંડળ બદલી નાખ્યા બાદ સ્થાનિક સ્વરાજની પેટાચુંટણીઓ ભાજપ માટે શાખનો પ્રશ્ન બની છે. ભાજપને ટકકર આપવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ કમર કસી હતી. રવિવારે સવારથી મતદાનનો પ્રારંભ થયો હતો.રાજ્યમાં વિવિધ નગરપાલિકાની 42 બેઠક પર 117 ઉમેદવાર અને વિવિધ તાલુકા પંચાયતની 43 બેઠકો પર 123 ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. આ ઉપરાંત સાત જિલ્લા પંચાયતોની 08 બેઠકો માટે પણ રવિવારના રોજ મતદાન થયું હતું. અમદાવાદ મનપાની 2 વોર્ડ નં-3 તથા વોર્ડ નં-45ની પેટા ચુંટણી થશે.

અમદાવાદમાં ચાંદખેડા અને ઈસનપુર વોર્ડમાં ચૂંટાયેલા કોર્પોરેટરે રાજીનામું આપતા અને એક કોર્પોરેટરનું અવસાન થતાં બંને સીટ પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. જુનાગઢ મનપાની વોર્ડ નં-8ની પેટા યોજાઇ હતી. થરા, ઓખા અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં 78 બેઠક પર 205 ઉમેદવાર ઇવીએમમાં સીલ થઇ જશે. થરા પાલિકામાં પાંચ વોર્ડની 20 બેઠકો માટે 48 ઉમેદવાર મેદાને છે. થરામાં પણ કોંગ્રેસ, ભાજપ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. દેવભુમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાની વોર્ડ-6ની 24 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે જેમાં 72 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહયાં છે.

ઉપલેટા નગરપાલિકામાં વોર્ડ નં-5ની પેટાચુંટણી યોજાઇ રહી છે. આ ઉપરાંત તાપીમાં કરંજવેલની ખાલી પડેલી બેઠક પર જયારે રાજકોટ જિલ્લા પંચાયતની બે બેઠક સાણથલી અને શિવરાજપુર બેઠક માટે વોટિંગ થઇ રહ્યુ છે. પાટણની રાધનપુર નગરપાલિકાના વોર્ડ-7માં તથા તાલુકા પંચાયતની ચલવાડાની બેઠક નંબર-5ની પેટા ચુંટણી યોજાઇ હતી. પંચમહાલની નદીસર તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં કુલ 4 ઉમેદવાર મેદાનમાં છે. ખેડા જિલ્લામાં ડાકોર નગરપાલિકાના વોર્ડ-1, 4, 6, 7ની 8 બેઠકનું મતદાન ચાલી રહયું છે.ખેડા નગરપાલિકાના વોર્ડ-1 અને 6ની 2 બેઠકો માટે મતદાન છે તો મહેમદાવાદ નગરપાલિકાના વોર્ડ-6ની 1 બેઠક માટે મતદાન ચાલી રહયું છે. આમ રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓમાં 92 બેઠકો પર 248 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહયાં છે.

Next Story